જેતપુર રોડ પર ચાલકે કાબૂ ગુમાવતાં બસ 3 ગુલાંટ ખાઇ ગઇ
પાટણ જિલ્લાના કુંવર ગામ ખાતેથી અસ્થિ વિસર્જનની વિધિ પતાવી પરત ફરી રહેલા ધોરાજીના પરિવારને અકસ્માતઃ બેની હાલત ગંભીર
પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીમાં રહેતા કરશનભાઇ રાઠોડ અને તેમના પરિવારના સભ્યો તેમના દાદાનું અવસાન થતા અસ્થિ વિસર્જન વિધિ માટે મિનિ બસમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના કુંવર ગામે ગયા હતા. ત્યાં વિધિ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા ત્યારે ગત રાત્રિના ધોરાજીથી દોઢ કિ.મી. દૂર જેતપુર રોડ પર મિનિ બસની ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી ખાઇ ગઇ હતી.
બસ પલ્ટીને ત્રણ ગુલાંટ ખાઇ જતા તેમાં બેઠેલા લોકોની ચીસોથી હાઇ-વે ગુંજી ઉઠયો હતો. બસમાં બેઠેલા પરિવારના ૧૪ સભ્યો તથા ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.
વધારે ગંભીર ઇજા પામેલા ૯ લોકો બસ ડ્રાઇવર અફઝલભાઇ રહેમાન, મનુભાઇ રાઠોડ, સાગર મનુભાઇ રાઠોડ, પાયલબેન દેવાભાઇ, કમળાબેન, રેખાબેન, રમેશભાઇ રાઠોડ, સંજયભાઇ તથા બબીબેન બચુભઆઇ કુંવરીયાને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બબીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે બેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. પોલીસે અકસ્માતના બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
- ધોરાજીનો જેતપુર રોડનો ૬ કિ.મી.નો વિસ્તાર અકસ્માત ઝોન બન્યો
ધોરાજીથી જેતપુર હાઇ-વે પર ૬ કિ.મી.નો વિસ્તાર ગોઝારા અકસ્માતો માટે કુખ્યાત બન્યો છે. વારંવાર અકસ્માતોના બનાવ બનતા અનેકના જીવ ગયા છે. તો ઘણાં ઇજાગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારને અકસ્માત ઝોન તરીકે જાહેર કરવા માંગ ઉઠી છે.


