Gujarat

છાલાની આંગણવાડીમાં ગામના જ શખ્સ દ્વારા વૃદ્ધા ઉપર હુમલો

By GS TEAM
15 Jun 20252 mins read
છાલાની આંગણવાડીમાં ગામના જ શખ્સ દ્વારા વૃદ્ધા ઉપર હુમલો

ગાંધીનગર નજીક ચિલોડા પંથકના

આંગણવાડીના મહિલા કર્મચારીને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને માર માર્યો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા છાલા ગામમાં આંગણવાડીના મહિલા કર્મચારીને ગાળો બોલવાની ના પાડનાર ગામના જ વૃદ્ધા ઉપર ગામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જેના કારણે તેમને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જે ઘટના અંગે ચિલોડા પોલીસ દ્વારા આ શખ્સ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર નજીક ચિલોડા પંથકમાં આવેલા છાલા ગામમાં ખારા કુવા વિસ્તારમાં રહેતા વૃદ્ધા મંગીબેન ચેલાભાઈ ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ તેમના પૌત્રને લઈને ગામમાં આવેલી આંગણવાડીમાં ગયા હતા જ્યાં ગામનો શખ્સ ફિરોજ ગુલામહુસેન લુહાર ત્યાં હાજર હતો. જે તેના બાળકોને આંગણવાડીમાં મૂકવા આવ્યો હતો. આ દરમિયાન ફિરોજ આંગણવાડીમાં કામ કરતા સુનીબેન ઠાકોરને ગાળો ભાંડવા લાગ્યો હતો અને કહેતો હતો કે ગઈકાલે તેના બાળકોને કોણે માર્યા હતા. જ્યારે મંગીબેને તેને ગાળો બોલવાથી રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને મંગીબેનને પણ અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેણે મંગીબેનનો જમણો હાથ પકડીને જોરથી મચડી નાખ્યો અને ધમકી આપી હતી કે જો તેઓ વચ્ચે બોલશે તો તેમને જાનથી મારી નાખશે.

આ ઘટના બાદ મંગીબેનને જમણા હાથમાં અસહ્ય દુખાવો અને સોજો આવી ગયો હતો. તેમને તેમના પુત્ર વિપુલભાઈ ચૌધરી દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ફિરોજ લુહાર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.