Gujarat

રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત

By GS TEAM
22 Sep 20251 min read
રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત

- પેટલાદના ચાંગા- મલાતજ રોડ પર 

- મહિના અગાઉની ઘટનામાં ખાનગી ગેસ એજન્સીના રિક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો

ડાકોર : પેટલાદના ચાંગા-મલાતજ રોડ પર દરણું દળાવવા ગયેલા વૃદ્ધને ખાનગી ગેસ એજન્સીની રિક્ષાએ ટક્કર મારતા મોત નિપજ્યું હતું. મહિના અગાઉની ઘટનામાં મહેળાવ પોલીસે રિક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

પેટલાદના ચાંગા સ્થિત યોગીનગરના કાન્તિભાઈ મેલાભાઈ પરમાર (ઉં.વ.૬૭) તા. ૨૩મી ઓગસ્ટે ઘરેથી ચાલતા દરણું દળાવવા ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ પરત ન આવતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. ભજનમાં ગયા હોવાનું માનીને ત્યારે શોધ કરી નહોતી. બીજા દિવસે સવારે પુત્રને પિતા કાંતિભાઈ ઈજા પામેલી હાલતમાં ચાંગા મલાતજ રોડ પરની ઈન્ડિયન ગેસ એજન્સીની સામે પડયા હોવાની માહિતી મળી હતી. સ્થળ પર પુત્ર પહોંચ્યો હતો. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સના ડૉક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતો. પિતાની અંતિમવિધિમાં રોકાયા બાદ પુત્રએ તપાસ કરતા ખાનગી ગેસ એજન્સીના કોઈ રિક્ષા ચાલક દ્વારા તેમના પિતાને ટક્કર મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મહેળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.