સુભાષનગરમાં પૈસા બાબતે વૃદ્ધની છરીના ઘા ઝિંકી સરાજાહેર હત્યા

ભાવનગર જિલ્લામાં હત્યાનો વધુ એક બનાવ
ગોકુલધામ સોસાયટી સામે જાહેર રોડ પર મજુરી કામે જઈ રહેલા વૃદ્ધાની હત્યાથી ચકચાર
તળાજાના શેળાવદર ગામે પતિએ પત્નીની હત્યા કર્યાના બનાવના પાંચ દિવસ બાદ વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા છનાભાઈ ગોરધનભાઈ ગોહેલ (ઉ.વ.૬૨) આજે સવારે ૭.૩૦ કલાકના અરસામાં નેચરલ પાર્ક સુધી અને ત્યાંથી કુટુંબી સભ્યો સાથે કારમાં મામસા ખાતે આવેલી કંપનીમાં મજુરી કામ માટે જવા માટે ઘરેથી સાયકલ લઈને નિકળ્યા હતા. સવારે ૮.૧૫ કલાકે સુભાષનગર ગોકુલધામ સોસાયટી પાસે પહોંચતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ડેવિડ મનસુખભાઈ બારૈયાએ તેમની સાયકલ અટકાવી પૈસા બાબતે ઝઘડો કરી સરાજાહેર છરીના ઘા ઝિંકી ગંભીર ઈજા પહોંચાડી બાઈક પર નાસી છૂટયો હતો. જે બાદ ત્યાં હાજર છનાભાઈના પરિચિતો અને સ્થાનિક લોકોએ ઈમર્જન્સી ૧૦૮ મારફત તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યાં હતા. બનાવની જાણ થતાં સીટી ડિવાયએસપી સહિત ઘોઘારોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઈ છનાભાઈ ગોહેલે ઘોઘારોડ પોલીસ મથકમાં ડેવીડ મનુસખભાઈ બારૈયા (રહે.પ્રધાનમંત્રી આવાસ યોજના, સુભાષનગર સ્મશાન પાસે) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.








