સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ક્રેને અડફેટે લેતા મોત નિપજ્યું

ગાંધીનગરના સેક્ટર-૧૫ ફતેપુરા પાસે
ગોકુળપુરાના વૃદ્ધ સાયકલ ઉપર ઘર તરફ જતા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ ક્રેન ચાલક સામે ગુનો
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં માર્ગો ઉપર
અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના પહોળા માર્ગો ઉપર પણ અકસ્માત ચિંતાજનક
રીતે વધ્યા છે. આ સ્થિતિમાં આજે સેક્ટર ૧૫ ફતેપુરા પાસે વધુ એક અકસ્માતમાં વૃદ્ધનો
મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગોકુળપુરા
ગામમાં રહેતા બબાભાઈ રામજીભાઈ રબારી આજે સાયકલ ઉપર ફતેપુરાથી ગોકુળપુરા તરફ જઈ
રહ્યા હતા તે દરમિયાન સેક્ટર ૧૫ સરકારી વાણિજ્ય કોલેજના પાછળના ગેટ પાસે ક્રેનના
ચાલકે બબાભાઈને અડફેટે લીધા હતા અને જેના કારણે તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી
હતી.
તેમને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત થયું હતું. આ અકસ્માત અંગે તેમના ભત્રીજા મહેન્દ્ર અરજણભાઈ દેસાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગરમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે તેને અટકાવવા માટે પણ પોલીસે યોગ્ય પગલા ભરવા જરૃરી છે.









