સિંહ-દીપડાવાળાં ઘોર જંગલમાં ભૂલા પડેલાં વૃધ્ધા 3 દિવસે હેમખેમ મળ્યા

પંચમહાલ જિલ્લાના માંયલા મુવાડ, નરોડા ગામના વૃદ્ધા તુલસીશ્યામના જાત્રાના સંઘથી વિખૂટાં પડી ગયા હતા : 50થી વધુ વન કર્મચારીઓની ટુકડીઓએ રાત-દિવસની જહેમત બાદ રાવલ ડેમ પાસેથી શોધી પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું
ઊના, : ગીરગઢડા પંથકના તુલસીશ્યામ ખાતે આવેલા જાત્રા સંઘમાં સામેલ એક વૃધ્ધા રાત્રિના સમયે વિખુટા પડી જતા મધ્ય ગીર જંગલમાં ભુલા પડી ગયા હતા. વન વિભાગની ટીમોએ સિંહ-દીપડાના વસવાટ ધરાવતા જંગલમાં સઘન શોધખોળ હાથ ધરતાં ત્રીજા દિવસે રાવલ ડેમ પાસેથી વૃધ્ધા હેમખેમ મળી આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના માંયલા મુવાડ, નરોડા ગામના 50 જેટલા યાત્રાળુઓ ગત તા.૫ના ઊનાથી 20 કિમી દૂર ગીરગઢડા તાલુકાના મધ્ય ગીર જંગલમાં આવેલા તુલસીશ્યામ તીર્થધામની જાત્રાએ આવ્યા હતા. દરમ્યાન, સંઘમાં આવેલા વૃધ્ધા સોનીબેન ભૂરાભાઈ મછાર(ઉ.વ 75) રાત્રિના સમયે મંદિરના પરિસરમાંથી વિખુટા પડી ગુમ થઈ ગયા હતા. સંઘના લોકોએ તેમની શોધખોળ કરવા છતાં મળી ન આવતા ગીરગઢડા પોલીસમાં ગુમ થયાનું જાહેર કર્યું હતું. આ ઘટના અંગે જશાધાર રેન્જ કચેરીને જાણ કરાતા આરએફઓ ભરવાડે 50થી વધુ વન કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી જંગલ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. જંગલમાં સિંહ અને દીપડાનો વસવાટ હોવાથી સલામતી સાથે ગીચ ઝાડીઓમાં વન કર્મીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવા છતાં રાત-દિવસની સતત જહેમત બાદ આજે તા. 8 ના સવારે એક ટીમને રાવલ ડેમ નજીકથી એક વૃધ્ધા મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા સોનીબેન નામ હોવાનું અને તુલસીશ્યામ આવ્યા બાદ જંગલમાં ભુલા પડી ગયા હોવાનું કહ્યું હતું.
3 દિવસ ભુખ્યાં રહ્યા હોવાથી નબળાઈ આવી ગઈ
આ વૃધ્ધ મહિલાએ જંગલમાં ભૂખ્યા પેટે માત્ર પાણી પીને ત્રણ દિવસ વિતાવ્યા હોવાથી ખૂબ જ નબળાઈ અનુભવતા હોવાથી જશાધાર કચેરીએ લાવી તબીબી તપાસ કરાવી તેમનું પરિવાર, યાત્રા સંઘ સાથે મિલન કરાવ્યું હતું. સદનસીબે વૃધ્ધા વન્ય પ્રાણીઓથી હેમખેમ રહેતા વન તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.









