Gujarat

વઘાસી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

By GS TEAM
17 Feb 20261 min read
વઘાસી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

- નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલા

- વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી

આણંદ : નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા આણંદ તાલુકાના વઘાસી પાસે રવિવારની રાત્રિના સુમારે રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મૂળ ઉમરેઠના રિતેશભાઈ નવનીતભાઈ રાણાએ આણંદ તાલુકાના વઘાસી ગામની સીમમાં જે.કે પાર્કની પાછળના ભાગે આવેલા કેશવ નંદન સોસાયટીમાં બે માસ પૂર્વે મકાન રાખ્યું હતું અને ત્યાં રહેવા ગયા હતા. ઉમરેઠ ખાતે તેઓની નાસ્તાની દુકાન આવેલી છે. ગતરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તેઓએ પોતાના ઘરે જમણવાર રાખ્યો હતો, જેમાં ઉમરેઠથી તેઓના પિતા નવનીતભાઈ રમણભાઈ રાણા (ઉં.વ.૭૫) વઘાસી ખાતે આવ્યા હતા. રાત્રિના સમયે ટ્રેક્ટરના શોરૂમ આગળથી તેઓ રોડ ક્રોસ કરી રહ્યાં હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે રિતેશભાઈ રાણાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે