- આણંદ- સોજીત્રા રોડ ઉપર પેટલાના બાંધણી પાસે
- વડતાલના વ્યક્તિના પિતા બાઈક લઈ પશુ આહારના માર્કેટિંગ માટે સોજીત્રા ગયા હતા
નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં રહેતા ચિરાગભાઈ અશોકભાઈ ઠક્કરના પિતા અશોકભાઈ પ્રહલાદભાઈ ઠક્કર (ઉં.વ.૬૬) વિદ્યાનગર ખાતે રહે છે અને સોજીત્રા ખાતે આવેલ એક ટ્રેડિંગ કંપનીમાં પશુ આહારનું માર્કેટિંગનું કામ કરતા હતા. ગતરોજ અશોકભાઈ ઠક્કર તેમના નિત્યક્રમ મુજબ બાઈક લઈને સોજીત્રા ખાતે આવેલી કંપનીમાં માર્કેટિંગનું કામ કરવા ગયા હતા.
રાત્રિના સુમારે તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે સોજીત્રા આણંદ રોડ ઉપર આવેલા બાંધણી ગામ નજીક રોંગ સાઈડે આવી ચડેલા અન્ય બાઈકના ચાલકે પૂરઝડપે પોતાનું બાઈક હંકારી લાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં અશોકભાઈ ઠક્કરને તેમજ અન્ય બાઇક ઉપર સવાર ચાલક તથા તેની સાથેના અન્ય વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અશોકભાઈ ઠક્કરનું કરુણ મોત થયું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે ચિરાગભાઈ ઠક્કરની ફરિયાદના આધારે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


