- રોડ ક્રોસ કરતી વખતે અજાણી કારે ટક્કર મારી
- 3 દિવસની સારવાર બાદ મટોડા ગામના વતનીએ અસારવા સિવિલમાં અંતિમ શ્વાસ લીધા
સાણંદ : સાણંદના મટોડા ગામના વતની રમણભાઈ ખોડાભાઈ ચુનારા ગત તા.૧૨ જાન્યુઆરીના રોજ સરખેજ-બાવળા હાઈવે પર આર.વી. ડેનીમ કંપની સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવતી ગાડીના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને તેમના જમાઈ નરેશભાઈ પ્રથમ બાવળા સીએચસી અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. વધુ ગંભીર હાલત જણાતા રમણભાઈને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી ગત તા. ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૪.૩૦ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ મામલે પોલીસે ગાડીના નંબરના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મટોડા ગામના ચુનારા પરિવારમાં આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે.


