Gujarat

કાર અને ઓટો રીક્ષા અથડાતા વૃદ્ધાનું મોત, પુત્રવધૂને ઇજા

By GS Team
21 Aug 20251 min read
This article was originally published on 21 Aug 2025
કાર અને ઓટો રીક્ષા અથડાતા વૃદ્ધાનું મોત, પુત્રવધૂને ઇજા

- બોટાદના સાળંગપુર રોડ પર

- વૃદ્ધા અને પુત્રવધુ શ્રીમંત પ્રસંગ પૂર્ણ કરી પરંતુ પોતાને ગામ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદના સાળંગપુર રોડ પર કાર અને ઓટો રીક્ષા અથડાતા રિક્ષામાં સવાર વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે અન્ય મુસાફરોને ઈજા થવા પામી હતી.

બરવાળા તાલુકાના પોલારપુર ગામે રહેતા મંજુલાબેન ઉર્ફે મંજુબેન રાઘવભાઈ વેરાણી (ઉ.વ.૭૨) અને પુત્રવધુ કંકુબેન દીપકભાઈ વેરાણી બોટાદ ખાતેથી શ્રીમંત પ્રસંગ પૂર્ણ કરી પરત રિક્ષા નંબર જીજે-૦૯-એએક્સ-૫૮૨૭માં બેસી બરવાળાના પોલારપુર ગામ તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન બોટાદના સાળંગપુર રોડ પર સામેથી આવી રહેલ કાર નંબર જીજે-૨૭-ઇઇ-૯૯૯૦ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રીક્ષા સાથે અથડાવી દેતા રીક્ષામાં સવાર મંજુલાબેન ઉર્ફે મંજુબેન સહિત મુસાફરોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મંજુલાબેન ઉર્ફે મંજુબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર ધવલભાઇએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.