સુમુલ ડેરીના ટેમ્પાચાલકે દારૃનાં નશામાં બાઇકને અડફટે લેતા વૃધ્ધનું મોત
- સુરતમાં રોડ અકસ્માતનાં ત્રણ બનાવમાં ત્રણનાં મોત
- પાંડેસરામાં
વિચીત્ર અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ પૈકી આધેડનું અને ઉધનામાં અજાણ્યા વાહનની અડફટે
વૃદ્ધનું મોત
સુરત :
કતારગામમાં આજે સવારે સંબંધીના ખબર અંતર પુછવા જઇ રહેલા
વૃધ્ધની બાઇકને દારૃના નશામાં સુમુલ ડેરીના ટેમ્પા ચાલકે અડફટે લેતા વૃદ્ધનું
મોત થયુ હતુ. પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ
કરી છે. બીજા બનાવમાં પાંડેસરામાં
વિચિત્ર અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વ્યકિતઓ પૈકી એકનું મોત થયુ હતુ. અને ત્રીજા
બનાવમાં ઉધનામાં વાહને ટક્કર મારતા ઇજા પામેલા વૃધ્ધનું મોત નીંપજયુ
હતુ.
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ મુળ ભાવનગરના મહુવાના લોંગીયા ગામના વતની અને હાલમાં કતારગામમાં પારસ પોલીસ ચોકી પાસે રાધે રેસીડન્સીમાં રહેતા 72 વર્ષીય ભાયાભાઇ માધાભાઇ પ્રજાપતી આજે સવારે બાઇક પર કતારગામમાં સંબંધીને ખબર અંતર પુછવા જવા નીકળ્યા હતા. તે સમયે કતારગામના જે.કે.પી નગર પાસે ધરતી કોમ્પ્લેક્ષ નજીક દારૃના ચિક્કાર નશામાં સુમુલ ડેરીનો દુધનો ટેમ્પો ચલાવતા સંદિપે બાઇકને અડફટે લેતા ભાયાભાઇનું સ્થળ પર જ મોત થયુ હતુ. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. કતારગામ પોલીસે ટેમ્પા ચાલક સંદિપ કોળીની (રહે- ડભોલી સર્કલ, કતારગામ) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ઉન ખાતે સંજય સોસાયટીમાં રહેતા 51 વર્ષીય કાલુ મોહંમદ શાહ ગત સાંજે ટુ વ્હિલર પર ભેસ્તાનથી ઉન તરફ જતા હતા. તે સમયે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે અકસ્માત થતા પગપાળા જતા આઝદ ગુર્જર (ઉ-વ-43) અને અન્ય એક મોપડ ચાલક સહિત ત્રણને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામેલા કાલુનું ઘટના સ્થળે મોત થયુ હતુ. તે મજુરી કામ કરતા હતા. આ અંગે પાંડસરા પોલીસે તપાસ હાથ ઘરી છે. ત્રીજા બનાવમાં ઉધનામાં રહેતા 66 વર્ષીય વિનોદભાઇ ફુલચંદભાઇ દેગડાવાણ ગત તા.28મી બપોરે ઉધનાના રોકડીયા હનુમાન મંદિર પાસે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યા હતા.ત્યાં આજે બપોરે તેમનું મોત થયુ હતુ. બનાવ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ઘરી છે.