પરિવારને કેન્સરની દવાના ખર્ચથી બચાવવા બુઝૂર્ગે આપઘાત કર્યો!

લૈયારા ગામના વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી દવા પીધી : છેલ્લા કેટલાંક દિવસથી ગૂમસૂમ રહેતા હતા : હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મોત નીપજ્યું
જામનગર, : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લૈયારા ગામના વતની કેન્સર પિડિત એક બુઝુર્ગે પોતાની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે.
લૈયારા ગામમાં રહેતા ગુલાબસંગ દેવુભા જાડેજા (63 વર્ષ) નિવૃત્ત જીવન જીવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાક દિવસથી ગુમસુમ રહેતા હતા, અને કેન્સરની બીમારીમાં સપડાઈ ગયા હતા. જે દવાનો ખર્ચ પોતાના પરિવારને ઉઠાવવો ન પડે તે માટે ગુલાબસંગે જિંદગીથી તંગ આવી પોતાની જિંદગીનો અંત લાવવાનો પ્લાન ઘડી કાઢયો હતો. ગઈકાલે તેમણે પોતાના રૂમમાં જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે. આ મામલે પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








