રાજકોટમાં વૃધ્ધની ઘાતકી હત્યા કરી લાશ સળગાવી હતી
- ચાર દિવસ પહેલાં થયેલી વૃધ્ધની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો
- ચોરી કરેલા સોનામાંથી ઓનલાઈન ગેમમાં હારી જતાં થયેલું દેણું ચૂકવી, રૂા.૧ લાખનો એપલનો ફોન લીધો હતો
- અમદાવાદમાં ચોરીના ગુનામાં દોહિત્ર પકડાતા બદનામી થયાના મેણાં મારી વ્યાજે આપેલી રકમની કડક ઉઘરાણી કરતાં પતાવી દીધાં
રાજકોટ: રૈયાધારમાં શાંતીનગરના ગેટ સામે મોમાઈનગર-૩ મફતિયાપરામાં એકલા રહેતાં મનસુખભાઈ ટાંક (ઉ.વ.૭૩)ની ચાર દિવસ પહેલાં માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા કર્યા બાદ લાશ સળગાવી દેવાની ચોંકાવનારી ઘટનાનો ભેદ ગાંધીગ્રામ-ર પોલીસે એલસીબીની મદદથી ઉકેલી લીધો છે. મનસુખભાઈને ખુદ તેના દોહિત્ર હર્ષ બિપીનભાઈ સોલંકી (ઉ.વ.ર૦, રહે. જૂની ગણેશ સોસાયટી શેરી નં.૬, કોઠારીયા મેઈન રોડ)એ માથામાં હથોડીના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધા બાદ લાશ પટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે આરોપી હર્ષ અમદાવાદના સોનામહોર જવેલર્સમાં નોકરી કરતો હતો. જયાંથી તેણે ૧પ તોલા સોનું ચોરી કરતાં પેઢીના માલીક હર્ષીતભાઈ શાહે તેના વિરૂધ્ધ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હર્ષે ચોરી કરેલું સોનું પેડક રોડ પર આવેલી એચબીએફસી બેંકમાં મુકી રૂા.૮.૬પ લાખની ગોલ્ડ લોન લીધી હતી. આ રકમમાંથી તેણે રૂા.પ લાખનું દેણું ભર્યું હતું.
તે ઓનલાઈન ગેમમાં રૂા. એક લાખ હારી ગયો હતો. જે દેણું પણ તેણે ભરી નાખ્યું હતું. આ ઉપરાંત રૂા.એક લાખનો એપલનો ફોન લીધો હતો. બાકીના રૂા.બે લાખ પિતાને આપી દીધા હતા. બાકીની રકમ પોતે ખર્ચી નાખી હતી. ત્યાર પછી સોલા પોલીસે તેની ધરપકડ કરી હતી. જેમાં તેને ચોરી કરેલું સોનું જમા કરાવવાનું આવ્યું હતું. પરિણામે તેના પિતા બીપીનભાઈએ ગોલ્ડ લોનમાં ગીરવે મુકેલું સોનું છોડાવવા માટે સસરા મનસુખભાઈ પાસેથી રૂા.૪ લાખ વ્યાજે લીધા હતા. આ ઉપરાંત અન્ય જગ્યાએથી પણ ઉછીના કે વ્યાજે લઈ તેના પુત્ર હર્ષને છોડાવ્યો હતો.
છૂટયા બાદ હર્ષે પણ તેના નાના મનસુખભાઈ પાસેથી ગત માર્ચ માસમાં રૂા.૩પ હજાર વ્યાજે લીધા હતા. જેનું તે રૂા.૧૮૦૦ વ્યાજ ચુકવતો હતો. આ ઉપરાંત તેના પિતાએ લીધેલા રૂા.૪ લાખનું રૂા.૪ હજાર વ્યાજ પણ તે જ દર મહિને નાના મનસુખભાઈને આપવા જતો હતો. મનસુખભાઈ છેલ્લા પ૦ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા હતા. દોહિત્ર હર્ષ વિરૂધ્ધ ગુનો નોંધાતાં નારાજ થયા હતા. જેને કારણે અવાર-નવાર હર્ષ અને તેના માતા-પિતાને પોતાની સમાજમાં બદનામી થયાનું કહી મેણાં મારતા હતા. એટલું જ નહીં પોતે વ્યાજે આપેલી રકમ પરત આપી દેવાની કડક ઉઘરાણી પણ કરતા હતા.
જેને કારણે નારાજ થયેલા હર્ષે નાના મનસુખભાઈને પતાવી દેવાનો નિર્ણય લીધો હતો. જેથી કરી તેના મેણાંથી મચી શકાય અને તેની પાસેથી વ્યાજે લીધેલી રકમ પણ આપવી ન પડે. નક્કી થયા મુજબ ગઈ તા.૮ના રોજ બપોરે હર્ષ પેટ્રોલ ભરેલી બોટલ લઈ નાના મનસુખભાઈના ઘરે પહોંચ્યો હતો. તે વખતે મનસુખભાઈ તિજોરીમાંથી કાગળો કાઢી વાંચતા હતા.
પ્રારંભિક વાતચીત થયા બાદ અચાનક હર્ષે ત્યાં પડેલી હથોડીનો એક ઘા નાના મનસુખભાઈના માથામાં જોરથી ઝીંકી તેને પછાડી દીધા બાદ બીજા આઠથી દસ ઘા ઝીંકી પતાવી દીધા હતા. આ પછી લાશ ઉપર કપડાં અને હિસાબના ચોપડા નાખી તેની ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. બાદમાં જાણે કાંઈપણ ન બન્યું હોય તેમ એકટીવા લઈ ઘરે જતો રહ્યો હતો. શરૂઆતથી જ ગાંધીગ્રામ-ર પોલીસ મથકના પીઆઈ એચ.એન. પટેલ અને એલસીબી ઝોન-રના પીએસઆઈ આર. એચ. ઝાલાને તેની ઉપર શંકા હતી. પરંતુ મચક આપતો ન હતો.
આખરે પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ભાંગી પડી ગુનો કબુલી લીધો હતો.
- યુ-ટયુબ ઉપર ક્રાઈમ સીરીઝો જોઈ હત્યાની દૂષ્પ્રેરણા મેળવી
રાજકોટ: હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈની પુત્રી દક્ષાનો પુત્ર હર્ષ કે જેણે યુ-ટયુબ ઉપર અનેક ક્રાઈમને લગતી સીરીઝો જોઈ હતી. જેમાંથી દૂષ્પ્રેરણા લઈ હત્યાની યોજના બનાવી હતી. યોજનાને અંજામ આપવા માટે પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ લઈ નાના મનસુખભાઈના ઘરે પહોંચ્યો હતો અને તેની હત્યા કરી લાશ સળગાવી નાખી હતી. પુરાવાનો નાશ કરવા માટે અને પોતાનું નામ કયાંય ન આવે તે માટે લાશ સળગાવવાનો તેણે નિર્ણય લીધો હતો. પરંતુ આમ છતાં તેનો ભાંડો ફુટી ગયો હતો. તેણે ક્રાઈમને લગતી અનેક સીરીયલો ઉપરાંત એક સાઉથની ક્રાઈમને લગતી મુવી પણ જોઈ હતી.