Jamnagar Accident : જામનગર નજીક મસીતિયા રોડ પર ગઈકાલે સાંજે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં સાયકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકર મારતાં ગંભીર ઇજા થવાથી તેઓનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મસીતીયા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા અનવરભાઈ અલારખાભાઈ ખફી નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે સાંજે પોતાની સાઇકલ લઈને ઘર તરફ આવવા માટે પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ઇ.એ. 5971 નંબરના બાઈકના ચાલકે સાયકલને ઠોકર મારી પછાડી દેતાં અનવરભાઈ ખફી ને હાથમાં, માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી.
તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અકસ્માતના બનાવવા અંગે મૃતકના પુત્ર સીદીક અનવરભાઈ ખફીએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


