Gujarat

કોઠી ચાર રસ્તા પાસે વૃદ્ધ દંપતિ પટકાયું, મહિલાને માથામાં ઇજા

By GS TEAM
11 Oct 20251 min read
કોઠી ચાર રસ્તા પાસે વૃદ્ધ દંપતિ પટકાયું, મહિલાને માથામાં ઇજા


શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કોઠી ચાર રસ્તા પાસે ખરાબ રસ્તાના કારણે સ્કૂટર સવાર વૃદ્ધ દંપતિ પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી હતી. ઘટના બાદ દંપતીએ રસ્તાનું વહેલી તકે સમારકામ ન કરનાર કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, રાજુભાઈ પટેલ પત્ની મીનાબેન સાથે સ્કૂટર પર સંગમ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કોઠી ચાર રસ્તા ખાતે રોડ પર પડેલા ખાડામાં સ્કૂટરનું સંતુલન બગડતા બંને જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં મીનાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. રાજુભાઈ પટેલે આ ઘટના માટે કોર્પોરેશનને જવાબદાર ઠેરવતાં કહ્યું કે, વારંવાર ફરિયાદ છતાં રોડની હાલત સુધારાઈ નથી. ખાડાઓથી અકસ્માતનું જોખમ વધે છે. ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓનો ધોવાણ થવાને કારણે મ્યુ. કમિશનરે યુધ્ધના ધોરણે સમારકામના આદેશ આપ્યા હોવા છતાં હકીકતમાં અનેક મુખ્ય માર્ગો હજુ ખખડધજ હાલતમાં છે.