Gujarat

વડિયા પંથકમાં પાઈપ-કુહાડીના ઘા ઝીંકીને વૃધ્ધ દંપતીની કરપીણ હત્યા

By GS TEAM
18 Jul 20252 mins read
વડિયા પંથકમાં પાઈપ-કુહાડીના ઘા ઝીંકીને વૃધ્ધ દંપતીની કરપીણ હત્યા

ઢૂંઢિયા પીપરીયા ગામે ઘરમાં ખાટલા પર નિદ્રાધીન અવસ્થામાં લાશ મળી વૃધ્ધાના કાનમાંથી સોનાની બુટી ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થયાનું તારણ

અમરેલી, : વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામે એકલા રહેતા વૃધ્ધ દંપતીની પાઈપ અને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નંખાતા ઉહાપોહ મચી ગયો હતો. તેઓ આજે આખો દિવસ  નહીં દેખાતા પાડોશીએ ઘરમાં તપાસ કરતા ખાટલા પર જ નિદ્રાધીન અવસ્થામાં બન્નેની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેમાં વૃધ્ધાના કાનમાંથી સોનાની બુટી ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થયાના તારણ સાથે ફોરેન્સિક ટીમની મદદથી પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. 

વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં એક ઘટનામાં જયાં 70 વર્ષીય વૃધ્ધ ખેડૂત દંપતી ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન ચકુભાઈ રાખોલિયાની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં એકલા રહેતા આ દંપતીની હત્યા કરાયેલી લાશો મળતા સમગ્ર  ગામ અને પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની માહિતી મળી છે. 

મૃતક ચકુભાઈ અને કુંવરબેન રાખોલિયા બંનેની ઉંમર આશરે 70  વર્ષ હતી અને તેઓ ઢૂંઢિયા પીપળીયા ગામમાં એકલા રહેતા હતા. તેમના સંતાનો સુરત અને રાજકોટ ખાતે રહે છે. આજે સવારે આ દંપતીની હત્યા કરાયેલી લાશો મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. તેઓ સવારે અને સાંજે દૂધ લેવા બહાર નીકળ્યા નહોતા અને સંતાનોના ફોન પણ નહીં ઉપાડતા પાડોશીઓને જાણ કરતા ઘરમાં તપાસ કરવાથી લાશ નજરે પડી હતી. વૃધ્ધાના કાનમાંથી સોનાના બુટીયા ગાયબ જણાયા હતા. જેથી લૂંટના ઈરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.  આ ડબલ મર્ડરનો ગંભીર બનાવ હોવાથી  ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.