Gujarat

શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત

By GS TEAM
11 Aug 20252 mins read
શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત

ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર વધતા અકસ્માત

અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર ઃ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૃ કરાઈ

ગાંધીનગર :  ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અદાણી શાંતિગ્રામ પાસે ગઈકાલે બપોરના સમયે પૂરઝડપે જઈ રહેલા કાર ચાલકે બાઈક સવાર વૃદ્ધને હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જીને કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જેને શોધવા માટે અડાલજ પોલીસ દ્વારા દોડધામ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અદાણી શાંતિગ્રામ બ્રીજ ઉપર વધુ એક અકસ્માતની ઘટનામાં વૃદ્ધનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે ચાંદલોડિયા ચાણક્યપુરી ચેહરનગર ખાતે રહેતા દિનેશભાઈ બળદેવભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના પિતા બળદેવભાઈ ચૌહાણ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને ગઈકાલે તે તેમનું બાઈક લઈને ગાંધીનગરથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સરખેજ હાઇવે ઉપર અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે એક કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જીને તે ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ તેમના પિતાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી હાલ અડાલજ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા હોન્ડા સિટી કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ પણ શરૃ કરવામાં આવી છે.