Gujarat

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત

By GS TEAM
21 Mar 20261 min read
ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત

- અકસ્માત સર્જી કાર ચાલક વાહન મૂકી ફરાર

- પિતા-પુત્ર પ્રસંગમાંથી પરત ફરતા હતા ત્યારે કારે પાછળથી ઠોકર મારી : યુવકના બંને પગે ફ્રેક્ચર

બગોદરા : ધોળકા-બદરખા હાઈવે પર હોટલ સામે ગુરુવારે સાંજે ચલોડા ગામના રહેવાસી જશુભાઈ અને તેમના પુત્ર સંજયભાઈ બદરખા ગામે કથા પ્રસંગમાં હાજરી આપી બાઇક પર પરત ફરી રહ્યા હતા. 

આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા પિતા-પુત્ર રોડની સાઈડમાં ફંગોળાઈ ગયા હતા અને કાર પણ ખાળિયામાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટયો હતો. 

રાહદારીઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધ જશુભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના પુત્ર સંજયભાઈને બંને પગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચતા ધોળકાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. મૃતક જશુભાઈના પૌત્ર રીકીન પટેલે આ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.