Gujarat

૪૦ લાખનો વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી

By GS TEAM
12 Dec 20252 mins read
૪૦ લાખનો વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી

વડોદરા,બહેનનો ઉતારેલો ૪૦ લાખનો વીમો  પકવવા માટે સગી બહેને જ તેના પુરૃષ મિત્ર સાથે મળીને કાવતરું ઘડીને બહેનની હત્યાની યોજના બનાવી હતી. તાલુકા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અંકોડિયા ગામની સીમમાંથી થોડા દિવસ પહેલા અજીઝાબાનુ મુસ્તુફાભાઇ દિવાન (રહે. આમ્રપાલી સોસાયટી, ગોરખનાથ મહાદેવ મંદિર પાસે,ગોરવા) ની લાશ મળી આવી હતી. આરોપીઓએ અજીઝાબાનુને ગળે ટૂંપો આપીને તેની લાશ ફેંકી દીધી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અજીઝાબાનુ બનાવના દિવસે ટુ વ્હિલર પર જતી દેખાય છે. પોલીસે મોપેડના નંબરના આધારે ટુ વ્હિલર પર અજીઝાબાનુને લઇ જતા રમીઝ રાજા હનિફભાઇ શેખ (રહે.દાતારા બાવાની દરગાહ પાસે, ગોરવા) ને ઝડપી પાડયો હતો. શરૃઆતમાં તેણે પોલીસને ગોળ ગોળ ફેરવી હતી.પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા આખરે તે ભાંગી પડયો હતો. તેણે  પોલીસ સમક્ષ એવી  કબૂલાત કરી હતી કે, મરનાર અજીઝાબાનુની મોટી બહેન ફીરોજાબાનુ ઉર્ફે અનીષા અખ્તરશા દિવાન (રહે. આમ્રપાલી સોસાયટી, ગોરવા) સાથે મળીને હત્યાનું કાવતરું ઘડયું હતું. તેઓએ ૧૫ દિવસ અગાઉ જ અજીઝાબાનુનો ૪૦ લાખનો વીમો ઉતાર્યો હતો. તેમાં વારસદાર તરીકે ફીરોજાબાનુનું નામ હતું. તે વીમાની  રકમ મેળવવા માટે તેઓએ હત્યા કરી હતી.પોલીસનું કહેવું છે કે, રમીઝ અને ફીરોજાબાનુ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી મિત્રતા છે.

બનાવના દિવસે રમીઝ શેખ મરનારને પોતાના ટુ વ્હિલર પર  બેસાડીને અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં તેના જ દુપટ્ટા વડે ગળા ફાંસો આપીને હત્યા કરી હતી. તાલુકા પોલીસે રમીઝ અને ફીરોજાબાનુની ધરપકડ કરી વધુ તપાસ  હાથ ધરી છે.



હત્યામાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ

વડોદરા,

અજીઝાબાનુની હત્યામાં અન્ય કોઇ સામેલ છે  કે કેમ, તે દિશામાં  પોલીસે તપાસ  હાથ ધરી છે. આરોપી રમીઝ રાજા ઓનલાઇન એપ્લિકેશન પર ભાડે ટુ  વ્હિલર ચલાવે છે. રમીઝ હત્યા કર્યા પછી ઘરે આવે છે. ત્યારબાદ તે પકડાઇ જવાના ડરથી ભાગી જાય છે.  પરંતુ, પોલીસની ટીમ  તેને ઝડપી પાડે છે. આ ગુનાની વધુ તપાસ માટે પોલીસ  દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.