કોન્સ્ટેબલ પતિના મોત બાદ બીજા લગ્ન છૂપાવી રૃ.૧૪.૮૯ લાખ પેન્શન લીધું
સીઆઇડી ક્રાઇમ ક્લાર્કે ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા
કારંજ પોલીસે મહિલા ક્લાર્ક સામે ગુનો નોંધ્યો
અમદાવાદ, મંગળવાર
પોલીસ કોન્સ્ટેબલ પતિના અવસાન બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હોવાનું છૂપાવ્યું હતું એટલું જ નહી સીઆઇડી ક્રાઇમમાં જૂનિયર કલાર્ક તરીકે નોકરી કરતી મહિલાએ પેન્શન વિભાગમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને રૃા. ૧૪.૯૮ લાખ ફેમિલિ પેન્શન મેળવ્યું હતું. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છેે.
પતિના અવાસાન પછી પાંચ વર્ષ સુધી પેન્શન મેળવતા કારંજ પોલીસે મહિલા ક્લાર્ક સામે ગુનો નોંધ્યો
કલોલમાં રહેતા લાલ દરવાજા ખાતે પેન્શન ચુકવણા કચેરીમાં તિજોરી અધિકારી તરીકે નોકરી કરતા હાદકકુમાર પ્રજાપતિ મણિનગરમાં રહેતા દક્ષાબહેન સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. બિમારીના કારણે તા.૩૦-૦૭-૧૯૯૩ના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ પતિનું ફેમિલિ પેન્શન મેળવતા હતા.
ત્યારબાદ ૧૯૯૫માં તેમણે ખોખરાના યુવક સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં ખોટા સ્વઘોષણા પ્રમાણપત્ર સહિત બોગસ દસ્તાવેજ પેન્શન કચેરીમાં રજૂ કરીને પતિનું ફેમિલિ પેન્શન મેળવતા હતા. બીજીતરફ પતિની જગ્યાએ રહેમરાહે તેમને અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ભરતી થયા હતા. મહિલાએ બીજા લગ્ન કર્યા હોવાની જાણ પોલીસને થઇ હતી. જેથી અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી ખાતેથી તેમની ખાતાકીય તપાસ શરૃ કરી હતી અને વર્ષ ૨૦૨૦માં પેન્શન વિભાગને પત્ર લખીને જાણ કરતા તેમનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મહિલાએ સત્ય હકિકત છુપાવીને ગત નવેમ્બર ૧૯૯૫ થી ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી કુલ રૃા. ૧૪.૮૯ લાખ ગેરકાયદેસર ફેમિલિ પેન્શન મેળવીને ઠગાઇ આચરી હતી.

