નરોડામાં પાચમા માળેના ધાબેથી પડતું મૂકી યુવકનો આપઘાત
સાણંદના યુવકે અગમ્ય કારણસર મોડી રાતે આત્મહત્યા કરતાં ચકચાર
લોકોએ વિડિયો બનાવ્યો પણ બચાવવાનો પ્રયાસ ના કર્યો
અમદાવાદ, સોમવાર
નરોડામાં અગમ્ય કારણોસર સાણંદના યુવકે હરિદર્શન ચોકડી પાસે સેલ્બી હોસ્પિટલ નજીક આવેલા આર્શિવાદ એવન્યું નામના કોમ્પલેક્ષના પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો, ચોંકવનારી બાબત તો એ છે કે યુવક ધાબાની પાળી ઉપર બેઠેલો હતો ત્યારે સ્થાનિક લોકોએ તેનો વિડિયો બનાવ્યો હતો પરંતુ પોલીસ કે ફાયર બ્રિગેડને જાણ કરીને બચાવવા પ્રયાસ કર્યો ન હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ કરતો પ્રાથમિક તપાસમાં યુવક ઉબેર ચલાવતો હતો. જો કે કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
ધાબાની પાળી ઉપર યુવકે બેઠેલો હતો ત્યારે લોકોએ વિડિયો બનાવ્યો પણ બચાવવાનો પ્રયાસ ના કર્યો ઃ નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી
સાણંદમાં રહેતા યુવક ગઇકાલે રાતે કાર ક્યાંક મૂકીને ચાલતા ચાલતા નરોડામાં હરિદર્શન ચોકડી નજીક શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા આશવાદ એવન્યું નામના કોમ્પલેક્ષમાં આવ્યો હતો. ત્યારબાદ ધાબા પર ચઢી ગયો હતો અને કોઇક અગમ્ય કારણોસર અચાનક જ રાતે ૧૧.૨૫ કલાકે ધાબા ઉપરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો.
ચોંકાવનારી બાબત એ છે કે માનવતા મરી પરવારી હોય તેમ યુવક ધાબાની પાળી ઉપર બેેઠેલો હતો તે સમયે લોકોએ તેનો વિડિયા બનાવ્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ.કોટડિયાના જણાવ્યા મુજબ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી તેની પાસેથી કોઇ ચિઠ્ઠી પણ મળી નથી. નરોડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત મોત નાંેધીને તેના પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથધરી છે.