ખોખરામાં સ્પોર્ટસમેનને માર મારીને લૂંટી લેનારા રિક્ષા ચાલક સહિત બે પકડાયા
ભાડા માટે યુવકને વાળ પકડી મારીને ૨૧,૦૦૦ના મુદ્દામાલની બેગ લૂંટી હતી
ખોખરા હોટકેશ્વર ડેપો પાસે ગલીમાં લઇ જઇને હુમલો કરીને લૂંટ ચલાવી
અમદાવાદ,મંગળવાર
ખોખરામાં હાટકેશ્વર ડેપો પાસે રિક્ષા ચાલક સહિત બે લોકોએ રાજસ્થાનના સ્પોર્ટ્સમેન યુવકને માર મારીને તેની પાસેથી રોકડા રૃપિયા આઠ હજાર સહિત મુદ્દામાલ લૂંટીને ફરાર થઇ ગયા હતા. ખોખરા પોલીસે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
સીટીએમથી રિક્ષામાં બેસીને સાબરમતી રેલવે સ્ટેશન જવાનું હતું ઃ ખોખરા હોટકેશ્વર ડેપો પાસે ગલીમાં લઇ જઇને હુમલો કરીને લૂંટ ચલાવી
મૂળ રાજસ્થાનની વતની અને હાલ હિમાચલપ્રદેશમાં રહેતો અમુલ સૈની (ઉ.વ.૨૦)એ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કે પોતે સ્પોર્ટસમેન તરીકે કામ કરે છે. જેમાં પૂણે ખાતે ઇન્ટરનેશનલ મેરેથોન સ્પર્ધા હોવાથી તે હિમાચલના ધર્મશાલાથી થી રેલ્વેમાં બેસીને પૂણે ગયો હતો ત્યાં સ્પર્ધા પૂર્ણ થતા તે તા.૦૩-૦૭-૨૫ના રોજ ટ્રાવેલ્સમાં બેસીને અમદાવાદ સીટીએમ એક્સપ્રેસ હાઇવે ઉતર્યો હતો.
ત્યારબાદ સાબરમતીથી ટ્રેનમાં બેસીને રાજસ્થાન જવાનું હોવાથી સીટીએમથી સાબરમતી જવા રિક્ષામાં બેઠો હતો. જ્યાં રિક્ષામાં પહેલાથી એક શખ્સ બેઠેલો હતો રિક્ષા ચાલકે રિક્ષા હાટકેશ્વર ડેપો પાસે ઉભી રાખીને યુવક સાથે ભાડા બાબતે તકરાર કરીને વાળ પકડીને માર મારીને રોકડા રૃા.૮,૦૦૦ અને સ્પોર્ટ્સના કપડા તથા સહીત કુલ ૨૧ હજાર ભરેલ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ખોખરા ભાઇપુરા ખાતે રહેતા રિક્ષા ચાલક બે લોકોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.