નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો
તારાથી થાય તે કરી લે ખીલો નહી કાઢુ કહીને પડોશી પરિવારજનોએ મારા મારી કરી
કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ, બુધવાર
નવા નરોડામાં દિવાલમાં ખીલો મારવા જેવી સામાન્ય તકરારમાં પડોશીઓ વચ્ચે મારા મારી થઇ હતી, જેમાં પડોશમાં રહેતા એક જ પરિવારના ચાર લોકોએ માર મારી કરી હતી. જેમાં પતિને માથા અને પીઠના ભાગે પાઇપ મારીને લોહી લુહાણ કર્યા હતા છોડાવવા વચ્ચે પડતાં પત્નીને પણ માથામાં પાઇપ મારીને ગંભીર રીતે ઘાયલ કરાતાં પતિ-પત્ની હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માથામાં પાઇપ મારતાં લોહી લુહાણ હાલતમાં પતિ-પત્ની સારવાર હેઠળ, કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નવા નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે ફરિયાદી મહિલા અને તેમના પતિએ તેમના ઘરના ગેટ પાસે ઉભા રહીને પડોશીને કહ્યું કે તમે મારા માલિકીની દિવાલમાં ખોલો મારેલ છે તે કાઢી લો.
જેથી ઉશ્કેરાઇને આરોપીએ કહ્યું કે તારાથી થાય તે કરી લે ખીલો નહી કાઢુ તેમ કહીને ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતાં પિતા -પુત્ર લોખંડની પાઇપ લઇને આવ્યા હતા અને સીડીમાં ફરિયાદીના પતિને માથામાં તથા પીઠના ભાગે પાઇપ મારી દીધો હતો આ સમયે ફરિયાદી પતિને છોડાવવા વચ્ચે પડતાં તેમના માથામાં પણ પાઇપ મારી હતી. અને ઝપાઝપી કરીને મહિલાના કપડાં ફાડી કાઢ્યા હતા અને તેમના દિકરાએ મારી નાંખવાની ધમકી આપી હતી ગંભીર રીતે ઘાયલ પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.