નશાખોર પતિ અને સાસરિયાએ મહિલાને ત્રાસ આપતા જીવન સંસાર પડી ભાગ્યો

અમદાવાદ,શનિવાર
દાણીલીમડામાં લગ્નના એક વર્ષ પછી બેકાર પતિ અલગ-અલગ નશો કરતો હોવાની જાણ પત્નીને થઇ હતી. જેથી પત્નીને સાસુ-સસરાને વાત કરતા તકરાર કરી હતી અને પતિ સહિત સાસરિયાઓએ મહિલાને ત્રાસ આપીને મારઝૂડ કરતા હતા. પુત્રીની બિમારીની સારવાર પણ કરાવતો ન હતા. કંટાળીને મહિલાએ પતિ સહિત સાસરિયા સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પુત્રીની બિમારીની સારવાર પણ કરાવતા ન હતા, ફોન કરીને તું સમાધાન કરી લે નહીતર શાંતિથી જીવવી નહી દઇએ ઃ દાણીલીમડા પોલીસે ગુનો નોંધ્યો
દાણીલીમડામાં રહેતી ૨૫ વર્ષની મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વેજલપુરમાં રહેતા પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન ૨૦૨૧માં થયા હતા. લગ્નના એક વર્ષ બાદ ફરિયાદીને જાણ થઇ કે પતિ અલગ-અલગ નશો કરે છે. જેથી સાસુ-સસરાને આ અંગે વાત કરતા ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.
પતિ સહિત સાસરિયા મહિલાને નાની-નાની બાબતોમાં શારિરીક-માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. પતિથી કંટાળીને બે વખત પિયરમાં રહેવા જતી રહી હતી. તેના માતા-પિતાએ સમજાવીને પરત મોકલી હતી. તેમજ પતિ કોઇ કામધંધો કરતો ન હતો. એટલું જ નહી બિમાર પુત્રીની સારવાર પણ કરાવતો ન હતો. ઉપરાંત પતિ, સાસુ, સસરા, નાના સસરા અને નાની સાસુએ ઝઘડો કરીને મારઝીડ કરી હતી. જેથી કંટાળીને પિયરમાં રહેવા ગઇ હતી. ગત ૪ જૂને મહિલા પિયરમાં હતી તે સમયે નાની સાસુ અને નાના સસરાએ ફોન કરીને તુ સમાધાન નહિ કરે તો શાંતિથી જીવવા દઇશું નહિ તેવી ધમકી આપી હતી.








