મુંબઇના વેપારીને પોલીસે ક્રિકેટ સટ્ટામાં ફસાવાનું કહી રૃા.૫.૮૮ લાખ પડાવ્યા
નિકોલમાં પોલીસ ચોકીમાં લઇ જઈને ૨૦ લાખ માગ્યા
જેલમાં જવું પડશે કહી ડરાવી ૧ લાખ રોકડા અને ઓન લાઇન પૈસા પડાવ્યા
અમદાવાદ, શનિવાર
પોલીસ પ્રજાનો મિત્ર હોવાની વાતો કરીને લોકોને મદદ કરવાના બદલે પૈસાની લાલચમાં વર્દીની ફરજ અને નૈતિકતા બાજુ ઉપર રાખીને નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તોડ કરી રહી છે. નિકોલમાં પોલીસે મુંબઇના વેપારીને ચેકિંગના બહાને રોક્યા બાદ પોલીસ ચોકીમાં લઇ ગયા હતા અને મોબાઇલ ચેક કરીને ક્રિકેટ સટ્ટો રમે છે કેસ કરવો પડશે અને જેલમાં જવું પડશે કહીને ડરાવીને ધમકાવીને રૃા. ૨૦ લાખની માંગણી કરી હતી એટલું જ નહી એક લાખ રોકડા લીધા બાદ ઓન લાઇન રૃા. ૪.૮૮ લાખ પડાવ્યા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઇલ ચેક કરીને તું ક્રિકેટ સટ્ટો રમે છે, તારા ઉપર કેસ થશે જેલમાં જવું પડશે કહી ડરાવી ૧ લાખ રોકડા અને ઓન લાઇન પૈસા પડાવ્યા
રાજસ્થાનના વતન અને મુંબઇમાં રહેતા તથા રત્ન(નંગ)નો વ્યવસાય કરતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર પોલીસ વાળા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ મહિના પહેલા રાજસ્થાનથી કાર લઇને એસ.પી.રીગ રોડ ઉપરથી મુબઇ જઇ રહ્યા હતા ત્યાં નિકોલ વિસ્તારમાં દસ્તાન સર્કલ પાસે ચાર પોલીસ વાળાએ ચેકિંગના બહાને કારને રોકીને તેમને નીચે ઉતાર્યા હતા જો કે કારમાં કંઇ ગેરકાયદેસર મળી આવ્યું ન હતું.
પોલીસ વાળા તેમના કૌટુંબિક ભાઇને નજીકમાં આવેલી પોલીસ ચોકીમાં ગઇ ગયા હતા અને મોબાઇલ ચેક કરીને તમારા ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઇ-ડી છે અને તું ક્રિકેટ સટ્ટો રમ છે. તારા ઉપર કેસ થશે અને જેલમાં જવું પડશે કહીને ડરાવી ધમકાવીને ચાર કલાક બેસાડી રાખીને અહીથી જવું હોય તો રૃા. ૨૦ લાખ આપવા પડશે. કેસ કરાવાની વાત કરીને ધમકાવતાં ફરિયાદી યુવકે એક લાખ રોકડા આપ્યા હતા તેમ છતાં માન્યા ન હતા અને બીજા રૃપિયા પાંચ લાખની માંગણી કરતા હતા. ત્યારબાદ ઓન લાઇન પૈસા ચૂકવવાની વાત કરી હતી જેથી ફરિયાદી અને તેમના ભાઇએ ઓન લાઇન રૃા. ૪.૮૮ લાખ કોઇક વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ચાર પોલીસવાળા સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ તથા બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે દોઢ વર્ષ પહેલા પણ મધરાતે એરપોર્ટથી આવી રહેલા દંપતિને ઓગણજ પાસે ટ્રાફિક પોલીસે રોકીને તેમની પાસેથી પણ લાખો રૃપિયા પડાવ્યા હતા.