Gujarat

પુત્રથી સાઇકલ અથડાતા પિતાને માથામાં પાઇપના ફટકા મારતાં સારવાર હેઠળ

By GS TEAM
3 Sep 20252 mins read
પુત્રથી સાઇકલ અથડાતા પિતાને માથામાં પાઇપના ફટકા મારતાં સારવાર હેઠળ

અમદાવાદ, બુધવાર

અસલાલી વિસ્તારમાં પિરાણા ખાતે સાઇકલ અથડાવવા જેવી સામાન્ય બાબતની તકરારમાં પડોશી વચ્ચે મારા મારી થઇ હતી, જેમાં પિતાને માથામાં પાઇપના ફટકા મારીને લોહી લુહાણ કર્યા હતા. પતિને છોડવવા વચ્ચે પડતાં પત્ની અને પુત્રને પણ માર માર્યો હતો અને જતા જતા આરોપીઓએ ધમકી આપી કે આજે તો બચી ગયા હવે પછી જીવતા જવા દેવા નથી, પાઇપના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અસલાલી પોલીસે મહિલા સહિત પરિવારના ચાર લોકો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિને છોડાવવા વચ્ચે પડતાં મહિલાએ પત્નીને વાળ પકડી મારી પુત્રને માર્યા બાદ ધમકી 

અસલાલી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે મહિલાનો પુત્ર સાઇકલ લઇને વાળ કપાવવા માટે જતો હતો ત્યારે પડોશમાં રહેતા કિશોરે પગ લાંબો કરતા તેને સાઇકલ અથડાઇ હતી જેથી તેની માતાએ વાત કરતાં મહિલાએ પોતાના દિકરાને ઠપકો આપવાની વાત કરતા મહિલા જતી રહી હતી.

બીજીતરફ મહિલાના પતિ ઘરે આવતાં પડોશમાં રહેતા આરોપીઓએ સાઇકલ અથડાવા બાબતે મહિલાના મામા સસરાના પરિવારના લોકો આ બાબતનું ઉપરાણું લઇને ગાળો બોલવા લાગ્યા હતા અને મહિલાના પતિને બહાર નીકળ આજે તો તને અને તારા પુત્રને મારી નાંખવા છે કહીને હાથમાં પાઇપ અને લાકડીઓ લઇને ઘર બાજુ ધસી આવ્યા હતા અને મહિલાના પતિને માથામાં પાઇપ મારીને લોહી લુહાણ કરતાં તેઓ નીચે ઢળી પડયા હતા પતિને બચાવવા જતાં આરોપી મહિલાએ વાળ પકડીને માર માર્યો હતો અને પુત્રને  પણ આરોપીઓ મારીને જતા જતા આરોપીઓએ ધમકી આપી હતી કે આજે તો બચી ગયા હવે પછી જીવતા જવા દેવા નથી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ફરિયાદી મહિલાના પતિને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.