પોલીસની ઓળખ આપી મહિલાના રૃા. ૨.૯૦ લાખના દાગીના લૂંટયા
ઠક્કરનગરથી પીછો કરી રિક્ષામાંથી ઉતારી સૈજપુર લઇ જઇ કેસ કરવાનો દમ માર્યો
કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
અમદાવાદ,મંગળવાર
પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી અવ નવા કિમિયા અજમાવીને મહિલાઓ સહિત લોકોને લૂંટી રહ્યા છે. સરદારનગરમાં રહેતી મહિલાનો ઠક્કરનગરથી પીછો કરીને રિક્ષામાંથી ઉતારીને પોલીસની ઓળખ આપીને તું ખોટા ધંધા કરે છે તેમ કહીને ડરાવી ધમકાવી બાઇક પર બેસાડી સૈજપુર ખાતે લઇ જઇને રૃા. ૨.૯૦ લાખના દાગીના પડાવ્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અજાણ્યા શખ્સ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તું ખોટા ધંધા કરે છે પોલીસ ચોકી આવવું પડશે કહીને બાઇક પર બેસાડીને લઇ જઇ રસ્તામાં દાગી પડાવી નાસી ગયો ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
સરદારનગરમાં રહેતી મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા સપ્તાહ પહેલા જ કામ માટે પતિ સાથે અમદાવાદ આવેલી છે. જેમાં તા. ૨ના રોજ બપોરે અઢી વાગે ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલ હોટલમાં જમવા માટે ગઇ હતી. ત્યારે બાઇક પર અજાણ્યા શખ્સે તેમનો પીછો કરતો હતો. જમ્યા બાદ હોટલ બહારથી રિક્ષામાં બેસી પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા.
ત્યારે આરોપી રસ્તામાં રિક્ષા અટકાવીને હું પોલીસમાં છું અને તું ખોટા ધંધા કરે છે કહીને તારે મારી સાથે પોલીસ ચોકીએ આવવું પડશે કહેતા મહિલા ગભરાઇને બાઇક પર બેસી હતી. ત્યારબાદ સૈજપુર ખાતે મહિલાને લઇ જઇને કહ્યું કે, તેં પહેરેલા દાગીના મને આપી દે નહી આપે તો કેસ કરીશ કહીને દમ મારીને રૃા. ૨.૯૦ લાખના દાગીના લૂંટીને નકલી પોલીસ ત્યાંથી જતો રહ્યો હતો.