વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ, શુક્રવાર
બાપુનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણેય પાસેથી કુલ રૃા. ૧.૧૭ લાખ ૨૦ થી ૩૦ ટકાના ઉંચા વ્યાજે લીધા બાદ વ્યાજ અને મૂડી ન ચૂકવી શકતા વ્યાજખોરો ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી કંટાળીને યુવકે આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વ્યાજ ચૂકવી ન શકતા દબાણ કરતા ઃ ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ, બાપુનગર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બાપુનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં વિરાજ તથા સુજલ અને મંથન સામે ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા એક વર્ષથી આથક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને વિરાજ પાસેથી ૨૦ ટકા વ્યાજે રૃા. ૧૨ હજાર લીધા હતા. તેમજ સુજલભાઇ પાસેથી ૮ ટકા વ્યાજે રૃા. ૧ લાખ લીધા હતા. તેમજ મંથનભાઇ પાસેથી ૩૦ ટકા વ્યાજે રૃા. ૫ હજાર લીધા હતા.
જેમાં ત્રણેય વ્યાજખોરને યુવકે થોડા મહિનાઓ સુધી સમયસર વ્યાજ ચૂકવ્યું હતું.ત્યારબાદ આથક પરિસ્થિતિ વધુ ખરાબ હોવાથી વ્યાજ કે મૂડી આપી શક્યો ન હતો. જેથી ત્રણેય વ્યાજખોરો યુવક પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા. જેથી વાયદા કરતા હતા જો કે ત્રણેય વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગઇકાલે બપોરે ઘરના પાકગમાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેની અસર થતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ દાખલ કરાયો હતો.








