Gujarat

અમરાઇવાડીમાં સગીરને કાર મેઘાણીનગરમાં સગીર પુત્રને બાઇક ચલાવવા આપતાં ફરિયાદ

By GS TEAM
7 Oct 20252 mins read
અમરાઇવાડીમાં સગીરને કાર  મેઘાણીનગરમાં  સગીર પુત્રને બાઇક ચલાવવા આપતાં ફરિયાદ

અમદાવાદ, મંગળવાર

પૂર્વ વિસ્તારમાં નાના બાળકો પાસે લાઇસન્સ ન હોવા છતાં પરિવારના સભ્યોે દ્વારા વાહન ચલાવવા આપવાના કિસ્સા વધી રહ્યા છે. અમરાઇવાડીમાં સગાના દિકરાને કાર ચલાવવા આપી હતી જો કે પાછળ નંબર પ્લેટ ન હોવાથી પોલીસે પકડયો ત્યારે ખબર પડી કે કાર ચાલક સગીર છે. જ્યારે મેઘાણીનગરમાં પિતાએ બાઇક આપીને પુત્રને હોસ્પિટલમાં ટિફીન આપવા મોકલ્યો હતો. આ બન્ને બનાવમાં પોલીસે વાહનના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડીમાં સગાના દિકરાને કાર ચલાવવા આપી પાછળ નંબર પ્લેટ ન હોવાથી પકડાયો ઃ મેઘાણીનગરમાં પિતાએ પુત્રને હોસ્પિટલમાં ફિટીન આપવા બાઇક આપી

અમરાઇવાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં કરતો હતો ત્યારે રબારી કોલોની ચાર રસ્તા પાસે એક કારની પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હતી. જેથી પોલીસે તેને રોકીને તપાસ કરતા ચાલક સગીર હતો અને તેની પાસે લાયસન્સ ન હતુ. જેથી પોલીસે મેમો આપીને કાર ડિટેઇન કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા કાર ચાલક સગીર હોવાથી કારના નંબર પરથી તપાસ કરી હતી અને કાર માલિક ચાંદખેડામાં રહેતા યુવકે તેના સંબંધી સગીરને ચલાવવા આપી હતી.બનાવ  આ અંગે અમરાઇવાડી પોલીસે કાર માલિક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ ઉપર રહેતા યુવક  સામે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધ્યો છે કે પોલીસે ગઇકાલે સવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન સામે નવચેતન સ્કૂલ પાસેથી એક સગીરને બાઇક ચલાવતા પકડી પાડીને બાઇક ડિટેઇન કરી હતી. પોલીસે તપાસ કરતાં પિતાએ બાઇક આપીને પુત્રને હોસ્પિટલમાં ટિફીન આપવા મોકલ્યો હતો. આ ઘટનામાં મેઘાણીનગર પોલીસે વાહનના માલિક પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.