યુવકે ગોળી મારતાં હાથે ઇજા થતાં પ્રેમિકા સારવાર હેઠળ
યુવતીની સગાઇની જાણ થતાં ગ્વાલિયરથી આવી ઘરે જઇ કૃત્ય આચર્યુ
નારોલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોેંધી આરોપીને ઝડપી લીધો
અમદાવાદ,મંગળવાર
નારોલમાં ફિલ્મ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં ખાસ કરીને તું મારી નહી થાય તો બીજાની પણ નહી થવા દઉ, એક તરફી પ્રેમમાં પાગલ મધ્ય પ્રદેશના યુવકે પ્રેમિકા ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં ખાસ કરીને યુવતની સગાઇ થઇ હોવાની જાણ થતાં યુવક ગ્લાલિયરથી સ્પેશિયલ નારોલમાં આવ્યો હતો અને યુવતીના ઘરે જઇને તેના ઉપર ગોળીબાર કરીને નાસી ગયો હતો. હાથે ગોળી વાગતાં ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વતનમાં પડોશમાં રહેતી યુવતી સાથે પરાણે પ્રિત કરતો, સગાઇની જાણ થતાં સ્પેશિયલ આવ્યો ઃ નારોલ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોેંધી આરોપીને ઝડપી લીધો
નારોલ વિસ્તારમાં રહેતી યુવતી ઘરે હાજર હતી આ સમયે આજે બપોરે ૧ વાગે તેના ઘરે મધ્યપ્રદેશનો યુવક આવ્યો હતો અને યુવતી સાથે વાત કરવાની જીદ પકડીને તેની સાથે સંબંધ રાખવાની વાત કરી હતી જો કે યુવતીએ તેની સગાઇ થઇ હોવાની વાત કરતાં યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને ૨૦ વર્ષની યુવતી કંઇ વિચારે તે પહેલાં તેના ઉપર ફાયરિંગ કર્યુ હતું.
જો કે સદ્નસીબે ગોળી યુવતીના હાથે વાગતાં લોહી લુહાણ થઇ હતી, ફાયરિંગ કરીને આરોપી નાસી ગયો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાનની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત નારોલ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. નારોલ પોલીસે ગુનાની ગંભીતા ધ્યાને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને દબોચી લઇને હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.