દબાણ હટાવતા પથ્થરમારો, તોડફોડ ઃ ચાર કર્મચારી ઘાયલ
ફેરિયા ટ્રાફિકને અડચણ રૃપ રસ્તા ઉપર ધંધો કરતા
નિકોલ પોલીસે ૧૦થી વધુ લોકો સામે ગુનો
અમદાવાદ, રવિવાર
નિકોલમાં ફેરિયાઓ ટ્રાફિક અડચણ થાય તે રીતે રસ્તામાં કેરીઓના કેરેટ મૂકીને વેચાણ કરતા હતા. જેથી એએમસીની ટીમ દબાણ હટાવવા ગઇ હતી. ત્યારે ૧૦થી વધુના ટોળાએ પથ્થરમારો કરીને ગાડીઓની તોડફોડ કરી હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નિકોલ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.
નિકોલ પોલીસે ૧૦થી વધુ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી
ચાંદખેડામાં વૃંદાવન ટી.પી.૪૪ ખાતે રહેતા અને એએમસીમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા પાર્થભાઇ રાજેન્દ્રકુમાર વાળા (ઉ.વ.૩૦)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ સ્ટાફના કર્મીઓ સાથે દબાણ હટાવવાની કામગીરી કરવા નીકળ્યા હતા. જ્યાં નિકોલ ગામ રોડ ઉપર આવેલી કોઠિયા હોસ્પિટલ પાસે પહોચ્યા તે સમયે કેટલાક લોકો ટ્રાફિક જામ કરીને કેરીઓના કેરેટ રસ્તા ઉપર મૂકીને વેચાણ કરતા હતા.
જેથી એએમસી કર્મીઓ ત્યાં દબાણ હટાવવા કેરીઓના કેરેટ દબાણની ગાડમાં મૂકતા હતા જ્યાં આરોપીઓ આવીને દબાણની ગાડીમાં મૂકેલ કેરેટ અને મ્યુનિસિપલના કર્મચારીઓને પણ નીચે ઉતારીને બુમો પાડતા હતા. જેથી ૧૦થી વધુનાં ટોળાએ સરકારી ગાડીઓ પર પથ્થરમારો કરતા ચાર કર્ચારીઓને ઇજા થઇ હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.