એંસી ટકા પાક ખરી જતા કેસર કેરી સસ્તી મળશે, સારી મૂશ્કેલ
- કેરીની સીઝન ટાણે લાખો આંબાઓને કરોડોનું નુકસાન
- જે લીલા નારિયેળના કોરોનાકાળમાં કાળાબજાર થતા તે નારિયેળીના વૃક્ષોનો પણ સોથ નીકળ્યો
યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા મોંઘા
રાજકોટ, : સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ કેસર કેરીની સીઝન વૈશાખમાં જ શરૂ થતી હોય છે અને ભીમ અગિયારસ (આ વખતે તા.૨૧ જૂન) સુધી ચાલતી હોય છે અને આ સીઝનના આરંભે જ કેસર કેરીનો વાવાઝોડામાં કચ્ચરઘાણ નીકળી જતા અને એંસી ટકા જેટલી કેરીઓ આંબા પરથી ખરી પડતા બજારમાં તે સસ્તી તો મળે પરંતુ, કુદરતી પાકેલી ઉત્તમ ગુણવત્તાની મળવી મૂશ્કેલ બની જશે.
કેરી અમુક સમયે જ આંબા પરથી ઉતારાય છે અને તો જ તેની કુદરતી મીઠાશ મળતી હોય છે પરંતુ, વાવાઝોડાએ સૌરાષ્ટ્રવાસીઓને પ્રિય આ સીઝન વેરવિખેર કરી નાંખી છે. લાખો આંબાઓ પાસે જમીન પર ઠેરઠેર વિખરાયેલી કાચી કેસર કેરી જોવા મળી હતી.
આ ઉપરાંત રાજકોટ સહિતના સ્થળે કોરોના કાળમાં જેના ખુલ્લેઆમ કાળાબજાર થતા અને રૂ।.૨૫-૩૦ના નારિયેળ રૂ।.૭૦-૮૦માં વેચાવા લાગ્યા હતા તે નારિયેળીના અસંખ્ય વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો એકાદશી સહિતના ઉપવાસ વખતે ખવાતા અને ભગવાનને પ્રસાદમાં ધરાવાતા કેળા આપતા કેળના વૃક્ષો પણ ધસી પડયા હતા. બીજી તરફ વાવાઝોડા ઉપરાંત લોકડાઉનના કારણે યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા તેના ભાવ ઉંચકાયા છે. જો કે ટૂંક સમયમાં જ નવી આવક શરૂ થતા શાકભાજી સસ્તા થવાની આશા છે.
જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાના કારણે બાગાયતી ઝાડ પડી ગયા છે તે ફરી વાવ્યા બાદ પાંચ વર્ષે ઉપજ આપશે
જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાના કારણે બાગાયતી ઝાડ પડી ગયા છે. તે ફરી વાવ્યા બાદ પાંચ વર્ષે ઉપજ આપતા થશે. આથી ખેડૂતોને પાંચ વર્ષનું નુકશાન ધ્યાનમાં લઇ સહાય આપવામાં આવે એવી કોંગ્રેસે માંગ કરી છે. ખેડૂતોને પાંચ વર્ષનું નુકશાન ધ્યાનમાં લઇ સહાય ચુકવવા માંગ જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાને કારણે આંબા, ચીકુ, કેળ, નાળીયેરી જેવા બાગાયતી ઝાડ ઉખડી ગયા છે. તો અમુક ઝાડ ક્ષતિગ્રસ્ત થયા તેમાંથી ફળ ખરી ગયા છે. બાગાયતી ઝાડ ફરી વાવ્યા બાદ તે પાંચ વર્ષે ખેડૂતોને ઉપજ આપતાં થશે. આથી આ મામલે સર્વે કરી જે બાગાયતી ઝાડ ઉખડી ગયા છે તેવા કિસ્સામાં પાંચ વર્ષનું નુકશાન ધ્યાનમાં લઇ ખેડૂતોને તે મુજબ સહાય ચૂકવવામાં આવે એવી માંગ સાથે આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.