Get The App

જૂની અદાવતમાં યુવાન ઉપર આઠ શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
જૂની અદાવતમાં યુવાન ઉપર આઠ શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા 1 - image

હવે જો દાદા બનવાની કોશિશ કરીશ તો જાનથી મારી નાખીશું

ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો વરસોડા ગામના આરોપીઓ સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચરેડી પાસે જૂની અદાવતમાં વરસોડા ગામના યુવાન ઉપર આઠ જેટલા શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા હતા અને ઘાયલ યુવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જે સંદર્ભે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ વરસોડા ગામના અને હાલ પેથાપુર ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતા અને સેક્ટર ૧૭-૨૨ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા પ્રદિપસિંહ જશવંતસિંહ ચાવડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તેઓ તેમનું બાઈક લઈને પેથાપુર ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે ચરેડી નજીક ત્રણ જેટલા વાહનોમાં આવેલા શખ્સો તેમની આગળ પાછળ ઊભા રહી ગયા હતા. જેમાંથી વરસોડા ગામના દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા અને તેના ભાઈ આદિત્યરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડા તેમજ તેમની સાથે જયદીપસિંહ રમણસિંહ ચાવડા, ધ્વ પટેલ, સતીષ ભરવાડ, યુવરાજસિંહ દશરથસિંહ ચાવડા, સુર્યદીપસિંહ દશરથસિંહ ચાવડા, લોકેન્દ્રસિંહ પરબતસિંહ ચાવડા અને રાહુલ જીવણજી આવ્યા હતા. આ બંને ભાઈઓ દ્વારા લોખંડની પાઇપ વડે અગાઉના ઝઘડાની અદાવત રાખીને તારે દાદા થઈ જવાનું છે તેમ કહીને પગ ઉપર હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ અન્ય શખ્સો દ્વારા પણ લાકડીઓ અને પાઇપો વડે માર મારવામાં આવ્યો હતો. જે હુમલાને કારણે પ્રદિપસિંહને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દોડી આવતા આ શખ્સો ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.