વેપારીઓ સાથે મેળાપીપણું કરી પાદરાની SBI ેબ્રાંચ લોન કૌભાંડનું કેન્દ્ર ઃ મેનેજર સામે આઠમો ગુનો

પાદરા તા.૮ પાદરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ફરજ બજાવતા કૌભાંડી મેનેજર સુનિલકુમાર સિન્હા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. બેંક લોન આપતી વખતે દસ્તાવેજોની યોગ્ય ખરાઈ કર્યા વગર લોન મંજૂર કરવાના આક્ષેપ સાથે મેનેજર સામે આઠમી ફરિયાદ નોંધાઈ છે.
પાદરામાં ચોક્સી બજાર ખાતે એસબીઆઇની બ્રાંચના મેનેજર દિલીપ બાબરભાઈ બામનિયાએ બેંક સાથે તા.૧૩ જુલાઇ ૨૦૨૨ પહેલાં છેતરપિંડી થઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે જેમાં આરોપીઓ તરીકે મેસર્સ પ્રિતી ફનચરના પ્રોપરાઈટર દેવીલાલ તુલસીરામજી સુથાર (રહે. છાણી જકાતનાકા, વડોદરા) અને તત્કાલીન બેન્ક મેનેજર સુનિલકુમાર જે. સિન્હા (રહે.સિલીગુરી, પશ્ચિમ બંગાળ) દર્શાવ્યા છે.
છાણીના વેપારી દેવીલાલ તુલસીરામ સુથારે ખોટા દસ્તાવેજોના આધારે એસબીઆઈ પાદરા શાખામાંથી કુલ રૃા.૭.૫૦ લાખની લોન મેળવી હતી. લોન સામે મોર્ટગેજમાં મૂકાયેલ સ્ટોકને પણ સગેવગે કરી દેવામાં આવ્યો હતો. બેન્ક લોન મંજૂર કરતી વખતે તે સમયના બેન્ક મેનેજર સુનિલકુમાર સિન્હાએ જરૃરી દસ્તાવેજોની યોગ્ય ચકાસણી અને તપાસ કરી ન હતી તેમજ પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરાવ્યું નહોતું. બંને આરોપીઓએ બેન્કને નુકસાન પહોંચાડવા માટે જ આખુ તરકટ રચ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે પાદરાની એસબીઆઇમાં સુનિલકુમાર સિન્હા વર્ષ-૨૦૨૨માં બ્રાંચ મેનેજર તરીકે હતા ત્યારે તેમણે વેપારીઓ સાથે મેળાપીપણું કરીને લોનની લ્હાણી કરી હતી. મોટાભાગની બેન્ક લોનના કારણે બેન્કની આ બ્રાંચની શાખ પર પણ અસર પડી હતી.









