ભરૂચમાં ઝઘડિયાના મુલાદ ગામ પાસેથી ગૌરક્ષકોએ ક્રૂરતાપૂર્વક બાંધેલ 29 પશુઓ ભરેલો આયશર ટેમ્પો ઝડપી પાડ્યો, ચાલક ફરાર
Bharuch News : ઝઘડિયાના મુલાદ ગામ પાસેથી ગૌરક્ષકની ટીમે ક્રૂરતાપૂર્વક પશુઓ બાંધેલ આયશર ટેમ્પોને ઝડપી પાડતા ઝઘડિયા પોલીસે 29 પશુઓ સહિત રૂ.12.90 લાખનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગૌરક્ષકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે નં.48 ઉપર મુલાદ ગામ વિકાસ હોટલ પાસે ખીચોખીચ પશુઓ ભરેલ ટેમ્પો અંકલેશ્વર તરફ જવાનો છે. જેના આધારે વિકાસ હોટલ ખાતે તપાસ કરતા તાડપત્રી બાંધેલ આઇસર ટેમ્પો મળી આવ્યો હતો. જ્યારે ચાલક સ્થળ ફરાર થઈ ગયો હતો. અને ટેમ્પોમાં ઘાસચારા કે પાણીની સગવડ વગર ક્રૂરતાપૂર્વક પશુઓ ભરેલ હોવાનું બહાર આવ્યું હતું. ટેમ્પોમાં રૂ.2.90 લાખની કિંમતના 29 પશુઓ હતા. આ અંગે પોલીસને જાણ કરતા ઝઘડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પશુઓ તથા ટેમ્પો સહિત કુલ રૂ.12.90 લાખનો મુદામાલ જપ્ત કરી પરમીટ વગર પશુઓની હેરાફેરી કરનાર અજાણ્યા ટેમ્પો ચાલક સામે પશુ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.