વડોદરામાં ટ્રાફિક સિગ્નલના ટાઈમર સુધારી ટ્રાફિક સમસ્યા હલ કરવા પ્રયાસ કરાશે
Vadodara Traffic Signal : વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ઠેકઠેકાણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે, જેને અનુલક્ષીને કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ચર્ચા થઈ હતી. ખાસ કરીને ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલો ઉપર ટાઈમિંગના પ્રશ્નો ઊભા થાય છે. અમુક સ્થળે ટ્રાફિક સિગ્નલ વધુ ચાલુ રહે છે, અને અમુક સ્થળે ટ્રાફિક સિગ્નલ તરત બંધ થઈ જાય છે. જેના કારણે ટ્રાફિકજામ થાય છે. આવું ન બને તે માટે ટ્રાફિક સિગ્નલ ટાઈમર વ્યવસ્થિત કરવા બેઠકમાં ચર્ચા થઈ હતી. એઆઈ બેઝડ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો સહારો લેવા વિચારણા થઈ છે. જેમાં જે તે સ્થળે ટ્રાફિકનો ભરાવો થયો હોય ત્યારે ઓટોમેટીક ટ્રાફિક સિગ્નલના સેન્સર ટાઈમિંગ એડજસ્ટ કરે એ પ્રમાણે સિસ્ટમ ઊભી કરાશે.
અગાઉ કોર્પોરેશનની સમગ્ર સભામાં પણ રજૂઆત થઈ હતી કે ચાર રસ્તા ઉપર ઘણા સ્થળે ટ્રાફિક સિગ્નલમાં ટાઈમિંગ વધુ હોવાથી ટ્રાફિકનો રોડ પર જમાવડો થઈ જાય છે. નેશનલ હાઇવેથી વડોદરા શહેર તરફ આવતા કોર્પોરેશનની હદમાં દુમાડ ચોકડી સહિતના ચાર રસ્તા પર ટ્રાફિક જામ થાય નહીં તે માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને પોલીસ સાથે રહીને કોર્પોરેશનની ટીમ પણ કામ કરશે. એકાદ દિવસમાં આવા સ્થળોની સ્પોટ વિઝીટ પણ કરવામાં આવશે. શહેરમાં ઘણા સ્થળે હજી ટ્રાફિક સર્કલ રિસાઇઝ કરવાની ભલામણ થઈ રહી છે. જેને અનુલક્ષીને પણ કામ કરવામાં આવશે. જાહેર માર્ગો પર ખાસ કરીને જ્યાં લોકોની આવજા વધુ છે, ત્યાં શાળા-કોલેજો અને હોસ્પિટલો નજીક સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે, અને ઘણા રોડ પર બિનજરૂરી સ્પીડ બ્રેકર દૂર કરવાની પણ કામગીરી કરાશે.