Gujarat

મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવાશે

By GS TEAM
2 Aug 20251 min read
મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવાશે

  અમદાવાદ,શનિવાર,2 ઓગસ્ટ,2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રીઝર્વ પ્લોટોને વિવિધ પ્રકારના દબાણથી મુકત રાખવા રુપિયા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવા મંજુરી અપાઈ છે.કોર્પોરેશનના અધિકારીઓ તેમના વોર્ડ વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના પ્લોટોની નિયમિત મુલાકાત નહીં લેતા હોવાથી જે તે વિસ્તારના રીઝર્વ પ્લોટો ઉપર ફરી દબાણ થઈ જતા હોવાની અગાઉ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા પણ સભ્યો દ્વારા રજુઆત થઈ હતી.

શહેરના પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલા કોર્પોરેશનના રીઝર્વ પ્લોટમાં રુપિયા ૩.૨૭ કરોડના ખર્ચથી ડબલ ટી પ્રિ-કાસ્ટ કમ્પાઉન્ડ વોલ અને વાયર ફેન્સીંગ કરવામા આવશે.પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં રુપિયા ૨.૯૨ કરોડના ખર્ચે ડબલ ટી પ્રિ-કાસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવવા રોડ કમિટી દ્વારા ત્રણ દરખાસ્ત મંજુર કરાઈ હતી.ટી.પી.સ્કીમ હેઠળ ૪૦ ટકા કપાતમા કોર્પોરેશનને મળતા પ્લોટોમા ગેરકાયદે દબાણો,બાંધકામ ના થઈ જાય એ માટે ભૂતકાળમાં કાંટાળા તારની વાડનુ ફેન્સીંગ કરવામા આવતુ હતુ.આમ છતાં જે તે વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા કાંટાળા તારની વાડનુ ફેન્સીંગ દુર કરી અડ્ડો જમાવી દેવામા આવતો હતો.કોર્પોરેશનના રીઝર્વ પ્લોટોમા થતા દબાણો અને ગેરકાયદેસર બાંધકામ દુર કરવા કોર્ટ કચેરીના દાવા પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામા આવે છે. જે પછી પોલીસ બંદોબસ્ત મેળવી પ્લોટ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવી પડે છે. આ બાબતને ધ્યાનમા લઈ આ નિર્ણય કરાયો છે.