સુરતમાં શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની ઘટ છે ત્યાં સાથી શિક્ષકોની ભરતી માટે મંડળની રજૂઆત

Surat Corporation : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં શિક્ષકોની અછત હવે મોટો વિવાદ બની રહી છે. અનેક શાળામાં શિક્ષકોની ઘટ હોવાના કારણે એક શિક્ષક એક કરતાં વધુ વર્ગ સંભાળી રહ્યા છે તેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આવી સ્થિતિ નિવારવા માટે શિક્ષકના સંગઠન મંડળ દ્વારા તાત્કાલિક સાથી શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ અને આ ઘટના કારણે શિક્ષકો પર કામગીરીનું ભારણ વધી રહ્યું છે. આ ભારણ એટલી હદે વધ્યું છે કે શાળામાં એક શિક્ષક ત્રણ-ત્રણ વર્ગનો કાર્યભાર સંભાળી રહ્યા છે. એક શિક્ષક પાસે 50 થી 90 જેટલા વિદ્યાર્થીઓ હોવાથી તેઓ યોગ્ય શિક્ષણ આપી શકતા નથી. આટલું જ નહી પરંતુ ત્રણ ત્રણ વર્ગની ઓનલાઈન અને ઓફલાઈન હાજરી પુરવામાં જ અડધો દિવસ નિકળી જાય છે. ત્યારબાદ તેઓ શિક્ષણમાં ન્યાય આપી શકતા નથી આવી વ્યાપક ફરિયાદ છે.
હાલમાં તો આચારસંહિતાના કારણે સાથી શિક્ષકોની ભરતી થઈ નથી એવી વાત છે પરંતુ સેન્ટ્રલ ઝોનમાં સાથી શિક્ષકોની ભરતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તેથી સેન્ટ્રલ ઝોનમાં સાથી શિક્ષકોની ભરતી સામે પ્રશ્નો ઉભા થયા છે. શિક્ષકો પર ભારણ વધી રહ્યું છે તે જોતાં પ્રાથમિક શિક્ષક મંડળ સુરત દ્વારા શાસનાધિકારી અને અધ્યક્ષને એક પત્ર લખવામા આવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, શાળામાં આચાર્ય, મુખ્ય શિક્ષક દ્વારા મહેકમ આપવામાં આવ્યું છે તેમાં ઘટ છે. જેથી સાથી શિક્ષકો ફાળવવાની જરુરી મંજુરીઓ તાત્કાલિક અસરથી આપવાની માંગણી કરવામાં આવી છે.

