તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો, જાણો સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ
Edible Oil Price Hike: રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. તહેવારો નજીક આવતાં છેલ્લા ચાર દિવસમાં જ ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં 70 રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ સીંગતેલનો ડબ્બો 2380 રૂપિયાના ભાવે મળતો હતો, જેનો ભાવ વધીને 2450 થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2220 રૂપિયાથી વધીને 2300 સુધી પહોંચી ગયો છે. તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીના બજેટ પર અસર જોવા મળી રહી છે.
તહેવાર ટાણે વધ્યા ખાદ્યતેલના ભાવ
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકાતા ગૃહિણીઓના બજેટ પર વધુ એક મોટો બોજ પડ્યો છે. રાજકોટ સહિતના બજારોમાં આજે (ગુરુવારે) સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 80નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો નોંધાયો છે. આગામી સમયમાં શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. તહેવારો દરમિયાન ખાદ્યતેલની માંગ વધતી હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે ખાદ્યતેલના પુરવઠામાં અવરોધ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવમાં થતી વધઘટની અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. તો બીજી તરફ મગફળી અને કપાસની ઓછી આવક તેમજ માલની અછત પણ ભાવ વધારાનું એક મુખ્ય કારણ બની શકે છે.