Get The App

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા 1 - image

ઇડીએ દરોડા પાડયા તે તમામ શખ્સો એન.એ. શાખા સાથે જોડાયેલા

જમીન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું અનુમાન

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને આજે સવારથી ઇડીની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી. જમીન કૌભાંડ મામલે તપાસ કરી હોવાનું મનાઇ રહ્યું છે. મોડી સાંજ સુધી આ મામલે સત્તાવાર જાહેરાત થઇ નહતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, એનએ શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને વકીલ ડી. ચેતન કણઝરીયા, કલેક્ટરના પીએ જયરાજસિંહ જાડેજાના લખતર સ્થિત નિવાસસ્થાને દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડની આશંકા પણ પ્રબળ બની છે. ઇડીની ટીમોએ દસ્તાવેજો સહિત અન્ય વિગતોની તપાસ હાથ ધરી હતી. અધિકારીઓના વર્તુળમાંથી માહિતી મુજબ જમીનના પ્રકરણમાં અરજી થઇ હોવાના કારણે ઇડીએ તપાસ હાથ ધરી છે.

ઇડીની ટીમોએ સુરેન્દ્રનગર એસીબીના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઇડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો અને તમામ વિગતો ગુપ્ત રાખી હતી. જોકે, જિલ્લા કલેક્ટરના ઘરે જ ઇડી ત્રાટકતા સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

 

અઠવાડિયા પહેલા જ કલેક્ટરે એન.એ. શાખાને વિખેરી

ઇડીએ મંગળવારે દરોડા પાડયા તેના ત્રણ દિવસ અગાઉ કલેક્ટર કલેક્ટર રાજેન્દ્ર પટેલે એન.એ. શાખાને વિખેરી નાખી હતી. એન.એ. શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી. તેને લઇ એન.એ. શાખામાં કોઇ કૌભાંડ થયું હોવાની આશંકા ઉઠી રહી છે.

ઇડીની એચ.આઇ.યુ. યુનીટે તપાસ હાથ ધરી હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર કલેક્ટર સહિતને ત્યાં ઇડીની હેડક્વાર્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટે (એચ.આઇ.યુ.) સર્ચ અને દરોડા પાડી હોવાની ચર્ચા થઇ રહી છે. એચ.આઇ.યુ. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની એક મુખ્ય શાખા છે. આ યુનિટ મની લોન્ડરિંગ (નાણાકીય હેરાફેરી) અને વિદેશી મુદ્રાના કાયદાના ઉલ્લંઘન સંબંધિત અત્યંત સંવેદનશીલ અને હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસ કરે છે. જ્યારે કોઈ મોટું કૌભાંડ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરનું હોય, ત્યારે ઇડીનું આ મુખ્ય મથક તપાસ એકમ (એચ.આઇ.યુ.) તેની જવાબદારી સંભાળે છે.