Get The App

10 લાખની લૂંટના કેસમાં ફરી નવો ફણગોઃ લૂંટાયેલા વેપારી સામે અગાઉ પણ EDએ કાર્યવાહી કરી હતી

વારંવારની પૂછપરછ બાદ આખરે વેપારીએ વિદેશી કરન્સી તેની હોવાનું કબૂલ્યું

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
10 લાખની લૂંટના કેસમાં ફરી નવો ફણગોઃ લૂંટાયેલા વેપારી સામે અગાઉ પણ EDએ કાર્યવાહી કરી હતી 1 - image

વડોદરાઃ વારસીયાની ૧૦ લાખની લૂંટના કેસમાં  પોલીસને ગોળગોળ ફેરવતા વેપારીએ આખરે લૂંટારા પાસે મળેલી ફોરેન કરન્સી પોતાની હોવાની કબૂલાત કરી છે.જેથી વેપારી સામે ફેમા હેઠળ કાર્યવાહી કરવા માટે પોલીસ ઇડીને જાણ કરનાર છે.

વારસીયાની ચતુરભાઇ પાર્ક સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય વેપારી લીલારામ રેવાણીને તેમના ઘર પાસે હુમલો કરી ૧૦ લાખની લૂંટ કરી ભાગેલી લૂંટારું ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેમની પાસે ૧૦ લાખને બદલે રૃ.૨.૫૪ કરોડ મળી આવ્યા હતા.જેમાં ભારતીય નોટો ૧૧ લાખની હતી.જ્યારે બાકીની કરન્સી જુદાજુદા ૧૯ દેશોની હતી.

વિદેશી કરન્સી કેવી રીતે આવી તે મુદ્દે લૂંટારાએ કબૂલાત કરી લીધી હતી.પરંતુ વેપારીની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ જવાબ આપતા નહતા.જેથી ત્રણ દિવસથી પોલીસ ગોથે ચડી હતી.આખરે આજે વેપારીએ ઉપરોકત કરન્સી તેમની હોવાની કબૂલાત કરી લેતાં હવે આ કરન્સીના મુદ્દે ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવા માટે ઇડીને જાણ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાનમાં વેપારી સામે અગાઉ પણ વર્ષ-૨૦૧૨માં વડોદરા એસઓજીએ કેસ કર્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.જેમાં એસઓજીએ ૧૦૩૦૦ દિરહામ, ૪૩૦૦ ડોલર,૧૦૦ પાઉન્ડ અને ૩૭૦૦ થાઇલેન્ડના બાટ મળી આવ્યા હતા. એસઓજીએ ઇડીને જાણ પણ કરી હતી.પોલીસને તે પહેલાં પણ એક કેસ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.જેની ચકાસણી કરવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચે પકડેલા પ લૂંટારાઓના રિમાન્ડ નામંજૂર,ગેંગ જેલભેગી

રેકી કરનાર શના વાઘેલા અને લૂંટારા વચ્ચે સંકલન કરનારનું નામ ખૂલ્યું

વેપારીની આંખમાં મરચું નાંખી ૧૦ લાખ લૂંટી લેવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રૃ.૨.૫૪ કરોડની કરન્સી સાથે લૂંટારું ગેંગના પાંચ સાગરીતોને ઝડપી પાડયા હતા.

આ પહેલાં વારસીયા પોલીસે પણ રાહુલ મારવાડી અને અનિલ પરમાર નામના બે લૂંટારાને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ પર લીધા હતા.જ્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલા પાંચ લૂંટારાના ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરાતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.

પોલીસની તપાસ દરમિયાન વેપારીની રેકી કરી લૂંટારાઓને ટિપ આપનાર શના વાઘેલા અને લૂંટારા વચ્ચે મધ્યસ્થી બનેલા વિનોદ નામના એક ષડયંત્રકારીનું નામ બહાર આવ્યું છે.જ્યારે એક સગીર પણ સામેલ છે.જેથી પોલીસ ષડયંત્રકારીની તપાસ કરી રહી છે.

વેપારીના હિસાબો અને રેકર્ડની તપાસ થઇ રહી છે

લૂંટના બનાવમાં તપાસ અધિકારી સહિતના પોલીસ અધિકારીઓ કાંઇ  બોલવા તૈયાર નથી ત્યારે પોલીસ કમિશનરે કહ્યું હતું કે,અમે આ કેસના મૂળ સુધી જવાના છીએ અને કરન્સીને લગતી તમામ તપાસ કરી સંબંધિત વિભાગનો સંપર્ક કરવાના છીએ.પોલીસની ટીમને વેપારીના હિસાબો અને અન્ય રેકર્ડ તપાસવા કહેવાયું છે.