Get The App

ડ્રેનેજ ચેમ્બરમાં પડી જવાથી યુવકનું મોત નીપજતા એડિ. આસિ.ઈજનેર સસ્પેન્ડ

ભૂગર્ભ સંપ સફાઈ બાદ મેનહોલ બંધ ન કરાતા દુર્ઘટના, ના. કાર્યપાલક ઈજનેરને શોકોઝનોટિસ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ડ્રેનેજ ચેમ્બરમાં પડી જવાથી યુવકનું મોત નીપજતા એડિ. આસિ.ઈજનેર સસ્પેન્ડ 1 - image

શહેરની માંજલપુર પાણીની ટાંકી પાસે ભૂગર્ભ સંપ સફાઈ બાદ મેનહોલ બંધ ન કરાતા એક વ્યક્તિનું મોત નીપજતાં મ્યુ. કોર્પોરેશનની તપાસમાં ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવનાર મ્યુ.કોર્પોરેશનના એડિ. આસિ. ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે નાયબ કાર્યપાલક ઈજનેરને શોકોઝ નોટિસ પાઠવી છે.

ગઈ તા. ૨૯ ડિસેમ્બરે રાત્રે માંજલપુર પાણીની ટાંકી ખાતે ભૂગર્ભ સંપ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ઈજારદાર દ્વારા સાંજે ૭ કલાકે પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ માંજલપુર ટાંકીની બહારના ભાગે આવેલ મેનહોલ યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે વિપુલસિંહ ઝાલા મેનહોલ ચેમ્બરમાં પડી ગયા અને તેમનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસમાં એડિ. આસિ. ઈજનેર અતુલ ગણેશ ભલગામીયાને તાત્કાલિક ફરજ મોકૂફ કરી નાયબ કાર્યપાલક ઈજનેર હરિકૃષ્ણ લાલજીમના કારણદર્શક નોટિસ પાઠવી છે.

નિયમ મુજબ, જ્યારે પણ જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવે ત્યારે સલામતીના બોર્ડ, ચેતવણી સાઈનેજ, રસ્તા બંધ કરવા તથા બેરીકેટિંગ જેવી સલામતી વ્યવસ્થાઓ ફરજિયાત રીતે અમલમાં મૂકવાની હોય છે. પરંતુ આ ગંભીર ઘટનામાં ફરજ પ્રત્યેની સ્પષ્ટ બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે, જેના પરિણામે એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે.