Get The App

કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે સંબધ કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી

કંપનીનો આઇપીઓ લાવીને અનેકગણા નફાની ઓફર આપી છેતરપિંડી કરી

સેબીએ આઇપીઓ રદ કરવાની સાથે આરોપીના ટ્રેડિંગ કરવા પર પણ પ્રતિબંધ મુક્યોઃ અગાઉ કાપડ બજારમાં કરોડોની છેતરપિંડીના ગુના નોંધાઇ ચુક્યા છે

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે  સંબધ  કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી 1 - image

 અમદાવાદ, સોમવાર

શહેરના ઉસ્માનપુરામાં રહેતા એક વ્યક્તિ  સાથે મિત્રતા કેળવીને કાપડના વેપારીએ આઇપીઓ લાવવા માટે ૨.૭૫ કરોડ જેટલી માતબર રકમ લઇને તેની સામે સાડા ચાર કરોડ અથવા તે રકમના શેર આપવાની ખાતરી આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા નોેંધવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી વેપારીનો આઇપીઓ સેબીએ રદ કરવાની સાથે તેના ટ્રેડિંગ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો. તેમ છતાંય, નાણાં લઇને તેણે બારોબાર હડપ કરી લીધા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઉસ્માનપુરામાં આવેલી મિત્રમંડળ સોસાયટીમાં રહેતા પુરવભાઇ પટેલ ઘરેથી શેર બજારનું કામ કરે છે. તેમના એકાઉન્ટનું કામ સંભાળતા સીએ મુકેશભાઇ લોઢાને ત્યાં તે નવરંગપુરા અવારનવાર જતા હતા. ત્યાં તેમનો પરિચય મણીનગર ભૈરવનાથ રોડ પાસે આવેલી શ્રીનાથ કોલોનીમાં રહેતા નિરંજન અગ્રવાલ સાથે થયો હતો.  નિરંજન અગ્રવાલે તેમને જણાવ્યું હતું કે તેમની કંપનીઓ નેશનલ સ્ટોક્સ એક્સચેંજમાં લીસ્ટેડ છે. ગત જાન્યુઆરી ૨૦૨૪માં નિરંજન અગ્રવાલે પુરવભાઇને નારોલ ખાતે આવેલી ટેક્સટાઇલ કંપનીની ઓફિસ પર બોલાવ્યા હતા અને ઓફર આપી હતી કે તેમની એક કંપનીનો આઇપીઓ આવી ગયો છે અને બીજી કંપનીનો આઇપીઓ તે લાવવા માંગે છે. આ માટે રોકાણની જરૂર છે. જેમા પર આકર્ષક નફો મળશે. તેણે આ માટે ૩ ત્રણ કરોડની માંગણી કરી હતી. જેના ખર્ચથી આઇપીઓ આવે ત્યારબાદ સાડા ચાર કરોડ પરત આપશે.  

કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે  સંબધ  કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી 2 - imageજેથી પુરવભાઇએ નિરંજન અગ્રવાલ પર વિશ્વાસ કરીને તબક્કાવાર ૨.૭૫ કરોડ જેટલી રકમ ચુકવી આપી હતી.  પરંતુ, નાણાં લીધા બાદ પણ નિરંજન અગ્રવાલે આઇપીઓ લાવવાની પ્રક્રિયા ન  કરતા પુરવભાઇને શંકા ગઇ હતી અને તેમણે તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે  સેબી દ્વારા તેમનો આઇપીઓ રદ કરવામાં આવ્યો હતો. એટલું જ નહી નિરંજન અગ્રવાલ પર ટ્રેડિંગ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો.

આમ, તેણે આઇપીઓ લાવવાના નામે છેતરપિંડી આચરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઇ વી એન ચૌધરીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નિરંજન અગ્રવાલ વિરૂદ્ધ કાપડ માર્કેટમાં પણ બે ગુના નોંધાઇ ચુક્યા છે. આ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. 

Tags :