સાણંદ ગૌશાળામાં ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ તૈયાર કરાઈ
- 100થી વધુ મૂર્તિ બનાવવામાં આવી
અમદાવાદ, તા. 29 જુલાઈ 2020 બુધવાર
અમદાવાદના સાણંદ નજીક આવેલા ગામે મહાકાલ ગૌશાળા દ્વારા ગાયના છાણમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
રોજગારી સાથે પર્યાવરણની રક્ષા અને ગાયનું મહત્વ તેમજ ગાય પ્રત્યે લોકોની જાગૃતિ વધે તેવા શુભ હેતુ સાથે છેલ્લા બે વર્ષથી ગૌશાળા ગણેશ પર્વ દરમિયાન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યુ છે.
આ ગૌશાળા દ્વારા ગૌ છાણ અને ગૌ મુત્રમાંથી છ ઈંચથી માંડીને બે ફૂટ સુધીની શ્રીજીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે.છેલ્લા છ મહિનાથી ગૌમય પ્રતિમા બનાવવાનું કાર્ય ચાલી રહ્યુ છે.
જેમાં અત્યાર સુધીમાં 125 જેટલી ગણેશજીની આકર્ષક પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. કોઈ પણ એક ફુટ ઊંડા પાત્રમાં પાણી રાખીને એમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાથી એનું સહેલાઈથી એ પ્રવાહી ખાતરમાં રૂપાંતર થઈ જશે, જેને કોઈ પણ નાના છોડ કે મોટા વૃક્ષના મૂળમાં નાખવામાં આવે તો એ ખાતરનું કામ કરશે.
આ પ્રયોગથી ગણેશજીના ભક્તોની આસ્થા મુજબ ગણેશોત્સવ મનાવી શકાશે અને સાથે નદીઓને દૂષિત થતી પણ બચાવી શકાશે.