Get The App

સુખ ચેનથી જીવો, રોટી ખાવ નહીં તો મારી ગોળી છે જ : મોદીની ચેતવણી

Updated: May 27th, 2025

GS TEAM

Google News
Google News
સુખ ચેનથી જીવો, રોટી ખાવ નહીં તો મારી ગોળી છે જ : મોદીની ચેતવણી 1 - image

- 'ઓપરેશન સિંદૂર' બાદ સરહદી કચ્છની ધરતી ઉપર જાહેરસભા યોજી વડાપ્રધાને પાકિસ્તાનના યુવાનોને પણ લાગણીસભર કડક સંદેશો આપ્યો 

- ભારતીયોનું ખૂન વહાવવાની કોશિષ કરાશે તો પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ અપાશે  ગુજરાતમાં 53,400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયાં

- પાક. સેના-સરકારે આતંકવાદને ધંધો બનાવી દીધો છે, તેની કિંમત માસૂમ બાળકોને ચૂકવવી પડે છે

ભુજ : 'સુખ-ચૈન સે જીયો, રોટી ખાઓ વરના મેરી ગોલી તો હૈ હી.' ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદી કચ્છ જિલ્લાના ભુજ ખાતે જાહેરસભામાં ભારતની આતંકવાદ વિરોધી નીતિની વાત કરતાં પાકિસ્તાનને ચેતવણી આપવા સાથે જ પાકિસ્તાનના યુવાનોને લાગણીસભર કડક સંદેશો આપ્યો હતો.  વડાપ્રધાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સેના અને સરકારે આતંકવાદને ધંધો બનાવી દીધો છે. આ લોકો આતંકના પૈસા કમાય છે અને તેની કીંમત માસૂમ બાળકો અને યુવાઓએ ચૂકવવી પડે છે. પાકિસ્તાનના યુવાઓને મારો સવાલ છે કે, તમે એવા શાસન અને સેનાનો સાથે આપશો કે જેમણે તમારું ભવિષ્ય બરબાદ કરી દીધું? નિર્ણય તમારે કરવાનો છે. પાકિસ્તાનમાં બાળકો સ્કૂલે નથી જઈ શકતાં, યુવાનોને નોકરી મળતી નથી અને માતાઓને વીજળી, પાણી માટે તરસવું પડે છે તે પાકિસ્તાની શાસનની ખોટી નીતિઓનું પરિણામ છે. વડાપ્રધાને ઉમેર્યું કે, 'ઓપરેશન સિંદૂર'થી ભારતે જે જવાબ આપ્યો તેનાથી પાકિસ્તાન ગભરાયું અને શરણે આવ્યું. કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં ડ્રોન મોકલ્યાં પણ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યાં. ભારતનું 'ઓપરેશન સિંદૂર' એ સૈન્ય અભિયાનથી વધીને માનવતાની રક્ષા અને આતંકવાદને ખતમ કરવા માટેનું મિશન છે. ભારતનું લક્ષ્ય ગરીબી દૂર કરવાનું અને અર્થ વ્યવસ્થા મજબૂત કરી વિકસિત ભારત બનાવવાનું છે. કચ્છ ખાતે જાહેરસભા સ્થળેથી વડાપ્રધાને ગુજરાતમાં ૫૩,૪૦૦ કરોડની વિજળી, પાણી, રસ્તા અને સૌર ઉર્જાને લગતાં પ્રોજેક્ટસના લોકાર્પણ અને શિલાન્યાસ ઓનલાઈન કર્યાં હતાં.

ભુજ ખાતે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો જંગ સીમા પાર આંતકવાદ સામેનો છે તેમ કહી પાકિસ્તાનને સવાલ કર્યો હતો કે, તમારા બાળકોને ભટકવા કોણે મજબુર કર્યા ? આંતકવાદના આકાઓએ? હવે નક્કી તમારે કરવાનું છે. પાકિસ્તાનના હુમલાનો જવાબ ભારતે એટલી તાકાતથી આપ્યો હતો કે, તેમના તમામ એરબેઝ આઈસીયુમાં પડયા છે. પાકિસ્તાન શરણાગતિ માટે મજબૂર થઈ ગયું. પાકિસ્તાન ટેરરિઝમને 'ટુરીઝમ' માને છે. જો ભારતીયોનું ખુન વહાવવાની કોશિષ કરાશે તો પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ અપાશે. આતંકવાદ ગંભીર વૈશ્વિક ખતરો છે. પહેલગામ હુમલા બાદ પણ પાકિસ્તાને આતંકવાદી સંગઠનો સામે કોઈ કાર્યવાહી શરૂ નહીં કરતાં ભારતીય સશસ્ત્ર દળોને જવાબી કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી હતી. આતંકવાદના મુખ્ય અડ્ડાઓ  સચોટ હુમલા થકી નેસ્તનાબૂદ કરી નાંખ્યા છે. પાકિસ્તાનની સરકાર અને સૈન્ય આતંકવાદનો ઉપયોગ આવક ઉત્પન્ન  કરવાના સાધન તરીકે કરી સમર્થન આપે છે. તેમણે પાકિસ્તાની નાગરિકોને આ અંગે ચિંતન કરવા હાકલ કરી હતી.

વડાપ્રધાને કચ્છ અને કચ્છી માડૂઓના ખમીરને વખાણતાં જણાવ્યું હતું કે, કચ્છના લોકો સરહદના સંત્રીઓ છે. કોઈપણ પણ પરિસ્થિતિમાં આપણા દેશનો તિરંગો ઝૂકવો જોઈએ નહીં.  કચ્છે દરેક સંકટોને પાર કર્યા છે. આજે કચ્છ વ્યાપાર, કારોબાર અને ટુરિઝમનું હબ બની ગયાનું જણાવી કચ્છ હવે સૌર ક્રાંતિનું કેન્દ્ર બનશે. ગ્રીન હાઈડ્રોજનના કારણે આવનારા સમયમાં વાહનો ગ્રીન હાઈડ્રોજનથી ચાલશે, વીજળીનું બિલ ઝીરો આવશે. કંડલા અને મુંદરા પોર્ટની કેપેસિટી વધારી દેવાઈ છે. કચ્છની બાંધણી અને બ્લોક પ્રિન્ટિંગને યાદ કરી ભુજોડી હસ્તકલાને જીઆઈનો ટેગ મળી હોવાનું કહી વડાપ્રધાને કચ્છ સાથે પોતાને જુનો નાતો હોવાનું કહીને જૂની યાદો તાજી કરી હતી.

વડાપ્રધાને એ ભુજ ખાતેથી રૂ. ૨૩૨૬ કરોડના ૧૮ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ. ૫૧,૦૮૮ કરોડના ૧૫ કામોનો શિલાન્યાસ કરતા કુલ મળીને રૂ. ૫૩,૪૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની રાજ્યને ભેટ આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારત વિશ્વની ચોથી ઈકોનોમી બની ગયું છે. બરાબર આજના દિવસે જ ૧૧ વર્ષ અગાઉ પોતે જયારે વડાપ્રધાન પદે શપથ લીધા ત્યારે અર્થતંત્રમાં ભારત ૧૧ માં નંબરે હતું તે આજે ચોથા નંબરે પહોંચી ગયું છે.

 કચ્છની ધરા ઉપર આવેલા વડાપ્રધાનને કચ્છી માડુઓએ ભવ્ય સ્વાગત કરીને આવકાર્યા હતા. ભુજ એરપોર્ટથી  દોઢ કિલોમીટરના રોડ-શોમાં સ્વયંભુ ઊમટેલા કચ્છી ભાઈ-બહેનોએ કચ્છી પરંપરા અનુસાર, ઢોલ-નગારા-શરણાઈ અને પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનને  ઉમંગભેર વધાવ્યા હતા. રોડ-શો માં લહેવારાયેલા એક કિલોમીટર લાંબા ત્રિંરંગાએ લોકોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા. આ રોડ-શોમાં વિવિધ સમાજ, સંગઠન અને સંસ્થાઓએ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરી હતી.   જનસભામાં પણ લાખોની મેદનીથી સમિયાણો છલકાયો હતો. વડાપ્રધાનને આવકારવા માટે એક સરખી કેસરી સાડીમાં મહિલાઓએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરી હતી. ભારત માતા કી  જય નારા સાથે સભા સ્થળ ગૂંજતું રહ્યું હતું.

1971 યુદ્ધની વિરાંગનાઓએ આપેલા સિંદૂરનો છોડ પી.એમ. હાઉસમાં ઉછેરાશેઃ કચ્છમાં 'સિંદૂર વન' બનાવાશે

પ્રધાનમંત્રીએ ૧૯૭૧ના યુધ્ધની વાતને યાદ કરીને જણાવ્યું  હતું કે, ભારત - પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં કચ્છની સરહદ ઉપરના વાયુ સેનાના રન -વે ને ખૂબ જ નુકસાન થયું હતું, ત્યારે, માધાપરની મહિલાઓએ બોમ્બમારા વચ્ચે માત્ર ૭૨ કલાકના ટૂંકા સમયમાં રન-વે તૈયાર કરી દીધો હતો. આ રન-વે પરથી ઉડાન ભરી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનને યુધ્ધમાં પછડાટ આપી હતી. આજે મને એ મહિલાઓના આશીર્વાદ મળ્યા છે. તેમણે મને સિંદૂરનો છોડ અર્પણ કર્યો છે તેનો ઉછેર પી.એમ. હાઉસમાં કરાશે. સાથે જ, કચ્છની અંદર 'સિંદૂર વન'નું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત વડાપ્રધાને કરી હતી.