Gujarat

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય

By GS TEAM
2 Oct 20252 mins read
ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય

- 5 કલાકમાં 3 થી 4 આંચકાનો અનુભવ, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા

- અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી, લોકોને ડર ન ફેલાવા અને જાગૃતિ રાખવા તાકીદ

ગઢડા : ગઢડા તાલુકાના ત્રણ ગામમાં મધરાતથી વહેલી સવારના અરસા દરમિયાન ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. પાંચ કલાકમાં ત્રણથી ચાર આંચકા આવતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

ગઢડાના ખોપાળા, વિરડી અને કાપરડી ગામે રાત્રિના ૧૨થી વહેલી સવારના પાંચ વાગ્યા સુધીમાં લોકોએ ત્રણથી ચાર વખત ધુ્રજારી અનુભવી હતી. આ ગામોમાં ધરા ધુ્રજ્યાની જાણ થતાં ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, ટીડીઓ એ.એ.વાળા, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓએ દોડી જઈ લોકોને જાગૃતિ રાખવા અને ડરનો માહોલ ન ફેલાવવા તાકીદ કરી હતી.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટે પણ સ્થાનિક કક્ષાએ સંકલન કરી માહિતી મેળવી હતી. આ બાબતે સત્તાવાર એવું જણાવાયું હતું કે, રાત્રિના આવેલા આંચકા ભૂકંપ સ્વોર્મ એટલે કે ઘણાં નાના ભૂકંપોનો સમૂહ હતો. જે થોડા દિવસ, અઠવાડિયા કે મહિના સુધી એક જ વિસ્તારમાં ધરા ધુ્રજે છે. સામાન્ય રીતે મોટા ભૂકંપ બાદ નાના આફ્ટરશોક આવે છે. પરંતુ સ્વોર્મમાં નાના ભૂકંપો લગભગ સમાન કદના અને વારંવાર આવે છે. આ સ્વોર્મ આપોઆપ બંધ થઈ જતાં મોટું નુકશાન કરતા ન હોવાનું તારણ દર્શાવાયું છે.

જીવન જરૂરી વસ્તુઓની કીટ તૈયાર રાખવી હિતાવહ

ગઢડા પંથકમાં ધરા ધુ્રજ્યાંની ઘટના બાદ લોકોએ સાવચેતી સાથે જીવન જરૂરી વસ્તુઓની કીટ તૈયાર રાખવી હિતાવહ છે. ઘરમાં ભારે વસ્તુઓને સારી રીતે કસીને બાંધી રાખવી, પાણી, ખાણી-પીણીની ચીજવસ્તુ, ટોર્ચ, દવા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ તૈયાર રાખવી. ઘરમાં હોય તો મજબૂત ટેબલ નીચે બેસી જવું અથવા અંદરની દિવાલ પાસે ઉભા રહેવું. બહાર હો તો મકાન, વીજ થાંભલા અને ઝાડથી દૂર રહેવું જોઈએ.

સૌરાષ્ટ્રમાં ભૂકંપ સ્વોર્મ સામાન્ય બાબત

સૌરાષ્ટ્રમાં ભૂગર્ભની જમીન ખૂબ જ જૂના પથ્થરો અને તૂટેલી ભૂગર્ભ ભંગાળોથી બનેલી છે. તે કમજોર હોવાથી ક્યારેક હિલચાલ કરે છે. બસાલ્ટ પથ્થરોમાં અનેક ફાટા અને ચીરા હોવાથી જ્યારે ભારે વરસાદ પડે ત્યારે પાણી અંદર જઈને દબાણ વધારતા હોવાથી પણ ભૂકંપના નાના ઝટકા આવે છે. તે કારણથી સૌરાષ્ટ્રમાં ભૂકંપ સ્વોર્મ સામાન્ય બાબત છે.