Get The App

કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ 1 - image


Kutch Earthquack News : કચ્છની ધરતી આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના શક્તિશાળી આંચકાથી ધ્રુજી ઉઠી હતી. શુક્રવારે પરોઢિયે 4:30 વાગ્યે આવેલા 4.6ની તીવ્રતાના ભૂકંપે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકોને જગાડી દીધા હતા અને ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું.



વહેલી સવારે આવ્યો શક્તિશાળી આંચકો

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના જણાવ્યા અનુસાર, આજે સવારે 4:30 વાગ્યે કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગેડી ગામ નજીક જમીનથી માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી ઊંડાઈને કારણે ભૂકંપની અસર રાપર, ભચાઉ, અંજાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વધુ અનુભવાઈ હતી.

આફ્ટરશોકની વણઝારથી લોકોમાં ભય

મુખ્ય ભૂકંપના આંચકા બાદ પણ ધરા ધ્રુજવાનું ચાલુ રહ્યું હતું. અત્યાર સુધીમાં 8થી વધુ નાના-મોટા આફ્ટરશોક નોંધાયા છે, જેના કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. વહેલી સવારના બનાવને કારણે મોટાભાગના લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર ખુલ્લામાં આવી ગયા હતા અને લાંબા સમય સુધી બહાર જ રહ્યા હતા.

2001ની યાદો તાજી થઈ

કચ્છ સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં ભૂકંપના આંચકા આવવા એ સામાન્ય બાબત છે, પરંતુ 4.6ની તીવ્રતાનો આંચકો પ્રમાણમાં શક્તિશાળી ગણાય છે. આજના આંચકાએ સ્થાનિક લોકોમાં 2001ના વિનાશક ભૂકંપની ભયાવહ યાદોને ફરી તાજી કરી દીધી હતી. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.