ગોંડલના પ્રેમગઢ પાસે 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી

દિવાળી પર્વોમાં ગુજરાતમાં અનેક ફોલ્ટલાઈન સક્રિય 4 દિવસ પહેલાં હળવો ભૂકંપ નોંધાયો તેનાથી 1 કિ.મી. દૂર તીવ્ર આંચકો : દ. ગુજરાતના વાંસદા પાસે સપ્તાહમાં 24 આંચકા!
રાજકોટ, : રાજકોટ નજીકના ગોંડલ પંથકમાં લાંબા સમય બાદ 3.4ની તીવ્રતાનો ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. ગઈકાલે ભાઈબીજના દિવસે બપોરે 12.37 વાગ્યે જમીનમાં 15.6 કિ.મી.ઉંડાઈએ પ્રેમગઢ પાસે, મેવાસા રોડ નજીક અને મેવાસા તથા રબારીકા ગામની વચ્ચે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. તેમજ આજે ધોળાવીરા-કચ્છ પંથકમાં પણ હળવો આંચકો નોંધાયો હતો.
ગોંડલમાં 4 દિવસ પહેલા તા. 20ના આજે કેન્દ્રબિંદુથી 1 કિ.મી.ના અંતરે 1.9નો ધરતીકંપ નોંધાયા બાદ તેના કરતા અનેકગણો શક્તિશાળી ભૂકંપ આજે નોંધાયો છે. આ પહેલા પણ રાજકોટ-ગોંડલ વચ્ચેના વિસ્તારમાં ઉપરાઉપરી અવાજો સાથે ભૂકંપોના અવાજોથી લોકોમાં ભય વ્યાપ્યો હતો.
દિવાળી આસપાસના તહેવારો સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની પૃથ્વીના પેટાળમાં હલચલ વધી છે. દક્ષિણ ગુજરાતના વાંસદા પંંથકમાં એક સપ્તાહમાં જ ભૂકંપના 21 નાના-મધ્યમ આંચકા નોંધાયા છે. તો સૌરાષ્ટ્રના માંગરોળના દરિયામાં પણ ધરતીકંપ નોંધાયેલ છે. કચ્છ કરતા પણ બાકીના ગુજરાતમાં ધરતીના પેટાળમાં ગતિવિધિ વધી છે.

