સૌરાષ્ટ્રમાં તાલાલા ગીર, ગોંડલ અને ભાણવડ પંથકમાં ધરતીકંપ
ચોમાસામાં ગીરનાર સહિત ફોલ્ટલાઈન સક્રિય
તાલાલા ગીરમાં માત્ર ૩.૧ કિ.મી.ઉંડાઈએ ૩.૦નું કંપન ઉદ્ભવ્યું,ભાણવડમાં અવાજ સાથે ધરતી ધુ્રજી
રાજકોટ: સૌરાષ્ટ્રમાં સાસણ સહિતના વિસ્તારો ચોમાસામાં ભૂકંપની ગતિવિધિ વધવા માટે જાણીતા છે. આજે તાલાલા ગીરથી ૧૨ કિ.મી. ઉત્તર-પૂર્વ દિશામાં ભોજડે ગામ નજીક, સાસણગીર પાસે બપોરે ૨.૨૫ વાગ્યે ૩.૦ની તીવ્રતાથી ધરતી ધણધણી ઉઠી હતી તો ભાણવડ પંથકમાં ગત સાંજે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે તો રાજકોટ જિ.ના ગોંડલથી ૨૩ કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશાએ ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આમ, બે દિવસમાં સૌરાષ્ટ્રમાં ત્રણ ભૂકંપો આવતા સૌરાષ્ટ્રની ફોલ્ટલાઈન્સ ચોમાસામાં ભૂગર્ભમાં જળસ્તરમાં ફેરફાર સાથે સક્રિય થયાનું અનુમાન થઈ રહ્યું છે.
ગીરનાર ફોલ્ટલાઈન પર આવેલ તાલાલા(ગીર) પંથકમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં માત્ર ૩.૧ કિ.મી.ઉંડે નોંધાયુ છે. ઉપરીસપાટી પર આ ક્ષેત્રમાં અગાઉ પણ અનેકવાર ભૂકંપો આવી ચૂક્યા છે.
ગોંડલ પંથકમાં પીઠડીયા ટોલનાકા અને સેલુકા ગામની વચ્ચે જમીનમાં ૧૩.૭ કિ.મી.ઉંડાઈએ ગત રાત્રિના ૨.૧૧ વાગ્યે ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ પંથકમાં લાંબા સમય બાદ આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
ખંભાળિયાથી મળતા અહેવાલ મૂજબ ભાણવડ પંથકમાં બે-ત્રણ દિવસથી લોકો કંપનો અનુભવી રહ્યા હતા જ્યારે ગત સાંજે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયાનું જાહેર થયું છે. કંપનની સાથે ધડાકા જેવો અવાજ આવતા લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી. પ્રશાસન દ્વારા લોકોને ખોટી અફવાથી દૂર રહેવા અને નાના નાના ભૂકંપથી ભય નહીં પામવા કે ફેલાવવા અને તકેદારી શુ રાખવી તે અંગે અપીલ કરાઈ છે.
- ફોલ્ટલાઈન ધરાવતા તાલાલા
પંથકમાં વારંવાર ભૂકંપો કેમ?
રાજકોટ: તાલાલા ગીર પંથકમાં ગીરનાર ફોલ્ટલાઈન, પૂર્વ-પશ્ચિમની એફ-૧ અને પશ્ચિમ-ઉત્તરથી પૂર્વ દક્ષિણની એફ-૨ એમ ત્રણ ફોલ્ટલાઈન આવેલી છે. આ ક્ષેત્રમાં ઈ.સ.૨૦૦૧, ૨૦૦૪, ૨૦૦૭, ૨૦૧૧માં ઉપરાઉપરી આંચકા આવ્યા છે અને રિચરસ્કેલ પર ૫ સુધીના તીવ્ર આંચકા પણ ભૂતકાળમાં આવ્યા છે. તાલાલા ફોલ્ટલાઈન લાઈન એ નીઓ ટેકટોનિક સિસ્મીસિટીનું નોંધપાત્ર ઉદાહરણ રહ્યું છે. આ ક્ષેત્ર વૈજ્ઞાાનિક રીતે ડેક્કન વોલ્કાનિક પ્રોવિન્સ ગણાય છે.