Gujarat

વહેલી સવારના સમયે બનેલી ઘટના , બાપુનગરમાં દસ દુકાનો આગમાં ખાખ,એક કરોડથી વધુનુ નુકસાન

By GS TEAM
17 Oct 20251 min read
વહેલી સવારના સમયે બનેલી ઘટના , બાપુનગરમાં દસ દુકાનો આગમાં ખાખ,એક કરોડથી વધુનુ નુકસાન

  અમદાવાદ, શુક્રવાર, 17 ઓકટોબર,2025

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર આવેલી શુક્રવારે વહેલી સવારે  એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુની અન્ય દુકાનોમાં પ્રસરી જતા દસ દુકાનો આગમાં ખાખ થઈ ગઈ હતી. દુકાનોમાં રાખવામા આવેલ કપડા,ચંપલ સહિત અન્ય ચીજો મળીને કુલ રુપિયા ૧.૬૦ કરોડનુ નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ ફાયર વિભાગે મુકયો છે. આગને કાબૂમા લેતા ફાયર વિભાગને બે કલાકથી વધુનો સમય લાગ્યો હતો.આગ લાગવાનુ ચોકકસ કારણ જાણવા મળી શકયુ નથી.સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહોતી.

ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, બાપુનગર ચાર રસ્તા પાસે શુક્રવારે સવારે પાંચ કલાકના સુમારે એક દુકાનમા આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.ફાયર વિભાગ તરફથી શરુઆતમાં ગોમતીપુર ફાયર સ્ટેશનથી મીની ફાયર ફાઈટર,વોટર ટેન્કર ઘટના સ્થળે મોકલવામા આવ્યા હતા. પરંતુ એક દુકાનમા લાગેલી આગે આજુબાજુમા આવેલી અન્ય દુકાનોને પણ આગની લપેટમાં લઈ લેતા ફાયર વિભાગ દ્વારા નરોડા અને નિકોલ ફાયર સ્ટેશન ખાતેથી ગજરાજ અને મીની ફાયર ફાઈટર સહીત કુલ આઠ જેટલા વાહનો અને સ્ટાફની મદદથી દુકાનોમા લાગેલી આગ હોલવવા કામગીરી કરાઈ હતી. જે દુકાનો આગની લપેટમાં આવી હતી તે પૈકી મોટાભાગની દુકાનો રેડીમેઈડ કાપડની હોવાનુ ફાયર વિભાગ તરફથી જાણવા મળ્યુ છે.